31 December, 2025 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૌલાના શહાબુદ્દીન રઝવી અને બૉલિવુડ અભિનેત્રી નુશરત ભરૂચા
બૉલિવુડ અભિનેત્રી નુશરત ભરૂચાએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં ભાગ લીધા બાદ તેની ટીકા કરી ધાર્મિક વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. નુશરતે ભગવાન મહાકાલના દર્શન કર્યા અને મંદિરની ધાર્મિક પરંપરાઓ અનુસાર પાણી ચઢાવ્યું, પરંતુ મુસ્લિમ ધર્મના નેતા અને સમુદાયના કેટલાક લોકોએ તેના આ પગલાનો સખત વિરોધ કર્યો છે. ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ નુશરતના આ પગલાને ઇસ્લામ વિરુદ્ધ ગણાવ્યું. તેમણે કહ્યું કે એક મુસ્લિમ મહિલા મંદિરમાં પૂજા કરવા, પાણી ચઢાવવા અને હિન્દુ ધાર્મિક પરંપરાઓનું પાલન કરવા જાય છે તે શરિયા કાયદાની વિરુદ્ધ છે. તેને ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન ગણાવતા, મૌલાનાએ નુશરત પર ઇસ્લામના સિદ્ધાંતો વિરુદ્ધ કાર્ય કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે આ બાબતનો પસ્તાવો કરવો જોઈએ (તૌબા). તેમણે નુશરતને ઇસ્તિગફર અને કલમા વાંચવાની સલાહ આપી.
આ પહેલીવાર નથી જ્યારે નુશરતની મંદિરની મુલાકાત વિવાદનો વિષય બની હોય. અગાઉ, ધાર્મિક નેતાઓએ તેના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે’ સામે વિરોધ કર્યો હતો. તેઓએ આરોપ કર્યો હતો કે આ ગીત હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
નુશરતે આગાઉ એક મુલાકાતમાં પોતાની માન્યતાઓ અને ધર્મ પ્રત્યેના પોતાના વિચારો સ્પષ્ટ કર્યા. તેણે કહ્યું હતું કે જ્યાં પણ શાંતિ મળે ત્યાં જવું જોઈએ, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય. નુશરતે કહ્યું હતું કે તે દિવસમાં પાંચ વખત નમાઝ વાંચે છે અને મુસાફરી કરતી વખતે પણ પોતાની નમાઝની ચાદર સાથે રાખે છે. તે માને છે કે ભગવાન એક જ છે અને આપણે તેની સાથે જુદા જુદા માર્ગો દ્વારા જોડાઈએ છીએ. નુશરતનું નિવેદન ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ આપે છે, જ્યારે મૌલાના શહાબુદ્દીન રઝવીનો વિરોધ તેમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધિત છે. આ વિવાદે માત્ર બૉલિવૂડ અભિનેત્રીની ધાર્મિક માન્યતાઓ વિશે ચર્ચા જ નહીં, પણ સમાજમાં બિનસાંપ્રદાયિકતા અને સહિષ્ણુતાની ભાવના વિશે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
અભિનેત્રીનો મંદિરની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે મહાકાલ ખાતે સવારે 4 વાગ્યે ભસ્મ આરતીમાં મગ્ન જોવા મળી રહી છે. પૂજા પૂર્ણ થયા પછી, પુજારીઓ દ્વારા નુશરતનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ આસ્થા અને ધાર્મિક સહિષ્ણુતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે નુશરતની મહાકાલ મંદિરની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. જોકે સમુદાયના કેટલાક લોકો હિન્દુ મંદિરની તેની મુલાકાત અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નુશરત ભરૂચાએ ગઈ કાલે પવિત્ર પુત્રદા એકાદશીના અવસરે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં. નુશરત દિવ્ય ભસ્મ આરતીમાં પણ સામેલ થઈ અને ભગવાન મહાકાલના આશીર્વાદ પણ લીધા. ભસ્મ આરતી દરમ્યાન નુશરત નંદી હૉલમાં સંપૂર્ણ રીતે શિવભક્તિમાં ડૂબેલી જોવા મળી. આ વિશેષ અવસરે મંદિરના પૂજારીઓએ તેને પ્રસાદ સ્વરૂપે મહાકાલ અંકિત દુપટ્ટો પણ ભેટ આપ્યો.