23 January, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ
શાહિદ કપૂર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ પછી ફરી એક વાર સાથે ‘ઓ રોમિયો’ લઈને આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ વચ્ચે અણબનાવ છે. જોકે હવે વિશાલે આ મુદ્દે ખુલ્લેઆમ વાત કરીને આ તમામ અફવાઓને ખોટી ગણાવી છે.
હાલમાં ‘ઓ રોમિયો’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન વિશાલે ફિલ્મના હીરો શાહિદ વિશે પોતાની વાત રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મારા કેટલાક ડિરેક્ટર-મિત્રો મજાકમાં કહે છે કે શાહિદ કપૂર સાથે ૪ ફિલ્મો કરવા બદલ તને દસમો રાષ્ટ્રીય પુરસ્કાર મળવો જોઈએ. જોકે હકીકતમાં તો શાહિદને મારી સાથે કામ કરવા માટે પુરસ્કાર મળવો જોઈએ, કારણ કે મારી સાથે કામ કરવું બહુ મુશ્કેલ છે અને શાહિદ આ વાત સારી રીતે જાણે છે. તે મારા ગુસ્સાને પણ સમજે છે.’
વિશાલે સ્વીકાર્યું કે તેની અને શાહિદ વચ્ચે સર્જનાત્મક મતભેદો અને ઝઘડા થાય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર એને બહુ વધારીને બતાવવામાં આવે છે. શાહિદ સાથેની રિલેશનશિપ વિશે વાત કરતાં વિશાલે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે ઝઘડા થાય છે, પરંતુ જેટલા બતાવવામાં આવે છે એટલા નથી. હવે અમારો સંબંધ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અથવા કલ્યાણજી-આનંદજી જેવો ખૂબ જ ગાઢ અને મજબૂત બની ગયો છે.’