17 November, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વારાણસીના ટીઝર લૉન્ચિંગ માટે યોજાયેલી ગ્રૅન્ડ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડાનો રાજકુમારી જેવો લુક
પ્રિયંકા ચોપડાએ શનિવારે હૈદરાબાદમાં રામોજી ફિલ્મસિટીમાં ‘વારાણસી’ના ટીઝર લૉન્ચિંગ માટે યોજાયેલી ગ્રૅન્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા તેના સહકલાકાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે ઇવેન્ટમાં જોડાઈ હતી. આ ઇવેન્ટમાં પ્રિયંકાએ પોતાના લુકથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. આ કાર્યક્રમમાં પ્રિયંકાનો લુક રાજકુમારી જેવો લાગતો હતો. તેણે સફેદ સાડી પહેરવાનું પસંદ કર્યું હતું અને લુકને મૅચિંગ નેકલેસ, માંગટીકા, બ્રેસલેટ અને સાડી ઉપરના વેસ્ટ બેલ્ટ સાથે કમ્પ્લીટ કર્યો હતો. પ્રિયંકાએ પોતાના આ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી અને કહ્યું હતું કે આ છે મારા અંદરના દૈવી સ્વરૂપની અભિવ્યક્તિ. આ લુકમાં પ્રિયંકાની સુંદરતા પર તેના ફૅન્સની સાથોસાથ તેનો પતિ નિક જોનસ પણ ફિદા થઈ ગયો હતો. તેણે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘મને લાગે છે કે હું બધાની લાગણી વ્યક્ત કરું છું અને કહું છું, ઓહ માય ગૉડ.’
વારાણસીના લૉન્ચિંગ માટે ભારત આવેલી પ્રિયંકાને યાદ આવી રહી છે પતિ નિકની
પ્રિયંકા ચોપડા હૈદરાબાદમાં તેની ફિલ્મ ‘વારાણસી’ માટેની મેગા ઇવેન્ટમાં હાજર રહી હતી અને તેણે પોતાના ટ્રેડિશનલ લુકથી સૌનાં દિલ જીતી લીધાં હતાં. હવે પ્રિયંકાએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે અને આ પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે તે પોતાના પતિ નિક જોનસને બહુ મિસ કરી રહી છે. આ વિડિયોમાં પ્રિયંકા પોતાના વાળ ખુલ્લા કરાવવા માટે મદદ લેતી દેખાય છે. વિડિયોમાં તે હસતાં-હસતાં પોતાની હેરડ્રેસર ખુશ્બૂને કહે છે, ‘મારે મારા વાળ ખુલ્લા કરવા હંમેશાં મદદ જોઈએ છે.’ હકીકતમાં નિકે થોડા સમય પહેલાં ઍરપોર્ટ જતી વખતે પ્રિયંકાના વાળ સંભાળવામાં મદદ કરી હતી અને એનો વિડિયો ચર્ચામાં આવ્યો હતો. પ્રિયંકાએ આ વિડિયોના સંદર્ભમાં જણાવ્યું છે કે તે પતિ નિકને મિસ કરી રહી છે.