OTT જંક્શન: આ અઠવાડિયે OTT પર આવશે કઈ કઈ ફિલ્મો?

10 July, 2026 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇક્કા: સની દેઓલ અને અક્ષય ખન્ના અભિનીત ‘ઇક્કા’ આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે.

ફિલ્મોનાં પોસ્ટર્સ

ઇક્કા: સની દેઓલ અને અક્ષય ખન્ના અભિનીત ‘ઇક્કા’ આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ દ્વારા સની દેઓલે OTT પર ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ એક પ્રતિષ્ઠિત અને સિદ્ધાંતવાદી વકીલની ભૂમિકા ભજવી રહ્યો છે. તે મર્ડરના આરોપી અક્ષય ખન્નાનો કેસ લડે છે. આ કાયદો, ન્યાય અને અંતરાત્મા વચ્ચેના સંઘર્ષની વાર્તા છે. ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્ના સાથે તિલોત્તમા શોમ અને દિયા મિર્ઝા મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી અંદાજે ૨૭ વર્ષ પછી પડદા પર સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

પેદ્દી: રામ ચરણ અને જાહ્‌નવી કપૂરની ‘પેદ્દી’ એક સ્પોર્ટ્‍સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ૧૯૮૦ના દાયકાના ગ્રામીણ આંધ્ર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. વાર્તા એક એવા સામાન્ય ગામડાના મજૂર પેદ્દીની છે જે ક્રિકેટ, કુસ્તી અને દોડ જેવી રમતોમાં અસાધારણ કૌશલ્ય ધરાવે છે. જ્યારે એક શક્તિશાળી હરીફ તેનાં સપનાંને તોડવાનો પ્રયાસ કરે છે ત્યારે પેદ્દી હાર માનવાને બદલે રમતગમત દ્વારા પોતાના આખા ગામના આત્મસન્માન અને ગૌરવની લડાઈ લડે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

પતિ પત્ની ઔર વો દો: આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહની ‘પતિ પત્ની ઔર વો દો’માં કન્ફ્યુઝનને કારણે સર્જાતી કૉમેડીની વાત છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ત્રણ-ત્રણ હસીનાઓ વચ્ચે ફસાતો જોવા મળે છે. તે પોતાની પત્નીથી છૂપી રીતે એક મિત્રની મદદ કરવા માટે તેના પ્રેમી હોવાનો ડોળ કરે છે જેના લીધે અસંખ્ય ગેરસમજો ઊભી થાય છે અને તેનું લગ્નજીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ‘પતિ પત્ની ઔર વો દો’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news netflix