OTT જંક્શન: આ વિકેન્ડ પર માણો આ ફિલ્મ્સ

06 June, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

OTT જંક્શન: ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૪ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે; બ્રાઉન’ Z5 પર દેખાડવામાં આવી રહી છે

`ધુરંધર : ધ રિવેન્જ`માં રણવીર સિંહ

ધુરંધર : ધ રિવેન્જ

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ની આ સીક્વલ ફિલ્મમાં જસ્કીરત રંગીના અન્ડરકવર ઇન્ટેલિજન્સ એજન્ટ હમઝા બનવાની સફર દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં પાકિસ્તાનના લ્યારી વિસ્તારમાં અન્ડરવર્લ્ડના ખૂંખાર ‘શેર-એ-બલોચ’ તરીકે તેની ઓળખ, ૨૬/૧૧ના હુમલાઓ પાછળના આતંકવાદી નેટવર્કનો ખાતમો અને ખતરનાક દુશ્મનો સામેની લડત રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં અર્જુન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૪ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી

‘મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’ દેશની સૌથી લોકપ્રિય કૉર્પોરેટ સફળતાઓમાંની એકની વાર્તા લઈને આવી રહી છે. નસીરુદ્દીન શાહ અને જિમ સરભ અભિનીત આ સિરીઝ વિનય કામથના પ્રસિદ્ધ પુસ્તક ‘ટાઇટન : ઇન્ડિયાઝ મોસ્ટ સક્સેસફુલ કન્ઝ્યુમર બ્રૅન્ડ’ પર આધારિત છે. ૬ એપિસોડની આ પિરિયડ ડ્રામા સિરીઝમાં નસીરુદ્દીન શાહે જેઆરડી તાતાનું પાત્ર ભજવ્યું છે જ્યારે જિમ સરભ ટાઇટનના સ્થાપક મૅનેજિંગ ડિરેક્ટર ઝર્કસિસ દેસાઈની ભૂમિકામાં જોવા મળે છે. આ વાર્તા આર્થિક ઉદારીકરણ પહેલાંના ભારતની છે. એક સ્વદેશી વૉચ-બ્રૅન્ડના જન્મ અને એના સંઘર્ષની આ પ્રેરણાદાયી ગાથા ઍમૅઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.

બ્રાઉન

આ સિરીઝથી કરિશ્મા કપૂર OTT પર પાછી ફરી રહી છે. એ કલકત્તાની પૃષ્ઠભૂમિ પર આધારિત સાયકોલૉજિકલ ક્રાઇમ થ્રિલર છે. આમાં કરિશ્મા કલકત્તા પોલીસની એક હોશિયાર પરંતુ માનસિક સંઘર્ષમાંથી પસાર થતી અધિકારી છે. રીટાને એક મહિલાની હત્યાની તપાસ સોંપવામાં આવે છે. એ સાથે જ તે દારૂની લત સામે પણ લડી રહી છે. ‘બ્રાઉન’ Z5 પર દેખાડવામાં આવી રહી છે.

માઁ બહન

આ ફિલ્મમાં માધુરી દીક્ષિત રેખાના પાત્રમાં છે. રેખા એવી માતા છે જેને તેની રૂઢિચુસ્ત ‘આદર્શ કૉલોની’ના પાડોશીઓ પહેલેથી જ થોડી વિવાદાસ્પદ માને છે. તેની બે દીકરીઓ છે. રેખાની મોટી દીકરી જયા એટલે કે તૃપ્તિ ડિમરી આકરા સ્વભાવની છે અને નાની દીકરી સુષમા એટલે કે ધારણા દુર્ગા મસ્તમૌલા છે. આ બન્ને બહેનો એકબીજાને બિલકુલ પસંદ નથી કરતી પણ વાર્તામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેમના રસોડામાં એક લાશ મળી આવે છે. હવે હંમેશાં ઝઘડતી આ ‘માઁ બહન’ની ત્રિપુટીને એવી પરિસ્થિતિ છુપાવવી પડે છે જે તેમને જેલ સુધી પહોંચાડી શકે છે. ‘માઁ બહન’નું નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. 

ધ પિરામિડ સ્કીમ

આ નવી સિરીઝની વાર્તા નેટવર્ક માર્કેટિંગની ચમકદાર પરંતુ અંધારી દુનિયા, મોટાં વચનો અને ઝડપથી અમીર બનવાનાં સપનાં પાછળ છુપાયેલા મોટા કૌભાંડની છે. આ સિરીઝ હરિદ્વારના ઘાટ અને ગુરુદ્વારાઓની પૃષ્ઠભૂમિમાં રચાઈ છે. સિરીઝમાં ગોલ્ડી એટલે કે પરમવીર સિંહ ચીમા એક મહત્ત્વાકાંક્ષી યુવાન છે જે વધુ સારી જિંદગીની શોધમાં મલ્ટી-લેવલ માર્કેટિંગની દુનિયામાં પ્રવેશે છે. એ પછી ઝડપથી પૈસા કમાવાનાં સપનાં પાછળ છુપાયેલું સત્ય બહાર આવતાં સંબંધો, વફાદારી અને મહત્ત્વાકાંક્ષાની કસોટી થાય છે. ‘ધ પિરામિડ સ્કીમ’ ઍમૅઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

ગુલ્લક -  સીઝન 5

લોકપ્રિય વેબ-સિરીઝ ‘ગુલ્લક’ હવે એની પાંચમી સીઝન સાથે પાછી ફરી રહી છે. આ સીઝનમાં મિશ્રા પરિવારના ઘરમાં હવે વાઇ-ફાઇ છે, ઘરનું રંગરોગાન નવું થયું છે, નવાં ઉપકરણ આવ્યાં છે પણ સંતોષ મિશ્રા હજી પણ વીજળીના બિલથી પરેશાન છે. સંતોષ મિશ્રાના બન્ને દીકરા પણ જીવનના નવા પડકારનો સામનો કરી રહ્યા છે. આ વેબ-સિરીઝ સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે.

entertainment news bollywood bollywood news upcoming movie web series dhurandhar jio hotstar zee5 amazon prime prime video sony entertainment television netflix