વીક-એન્ડમાં OTT પર માણો સાલી મોહબ્બત, સિંગલ પાપા, ધ ગ્રેટ શમ્સુદ્દીન ફૅમિલી અને રિયલ કશ્મીર ફુટબૉલ ક્લબ

11 December, 2025 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાલી મોહબ્બત ૧૨ ડિસેમ્બરથી ઝી5 પર સ્ટ્રીમ થશે : રિયલ કશ્મીર ફુટબૉલ ક્લબનું ૯ ડિસેમ્બરથી સોનીલિવ પર સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયું છે

`સાલી મોહબ્બત` ફિલ્મનું પોસ્ટર

સાલી મોહબ્બત

રાધિકા આપ્ટેને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘સાલી મોહબ્બત’ એક ક્રાઇમ થ્રિલર છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ટિસ્કા ચોપડાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં સ્મિતા નામની મહિલા છે જે એક નાના શહેરની સામાન્ય ગૃહિણી છે. તેના પતિ અને કઝિનનું મોત થઈ જાય છે અને વાર્તામાં એવો વળાંક આવે છે કે સ્મિતાને જ આ ડબલ મર્ડરની મુખ્ય આરોપી બનાવવામાં આવે છે. આના કારણે સ્મિતાની સીધી-સાદી જિંદગીમાં સંપૂર્ણપણે ઊથલપાથલ થઈ જાય છે. પોલીસ-અધિકારી રતન પંડિત આ કેસને ઉકેલવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. જે કેસ શરૂઆતમાં એક સામાન્ય ડબલ મર્ડર જેવો લાગે છે એ ધીમે-ધીમે દબાયેલાં રહસ્યો, ઇચ્છાઓ અને છેતરપિંડીથી ભરેલા માનસિક થ્રિલરમાં ફેરવાઈ જાય છે. આ ફિલ્મ ૧૨ ડિસેમ્બરથી ઝી5 પર સ્ટ્રીમ થશે.

સિંગલ પાપા

વેબ-સિરીઝ ‘સિંગલ પાપા’ ગૌરવ ગેહલોત (કુણાલ ખેમુ)ની સ્ટોરી છે. ગૌરવ એવો માણસ છે જેના થોડા સમય પહેલાં જ ડિવૉર્સ થયા છે. તે વયમાં તો મોટો થઈ ગયો છે, પરંતુ તેની હરકતો બાળક જેવી છે. એક દિવસ ગૌરવને તેની કાર પાસેથી નધણિયાતું બાળક મળી આવે છે. જે માણસ પોતાને સંભાળી શકતો નથી તે જ વ્યક્તિ બાળકને દત્તક લઈને સિંગલ ફાધર બનવાનો ચોંકાવનારો નિર્ણય કરે છે. હવે ઘરમાં ગુસ્સા અને પ્રશ્નોથી ભરેલું વાતાવરણ છે. ગૌરવની ક્ષમતાઓ પર અનેક સવાલ ઊભા થાય છે. આ વેબ-સિરીઝ ૧૨ ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

ધ ગ્રેટ શમ્સુદ્દીન ફૅમિલી

‘પીપલી લાઇવ’થી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અનુષા રિઝવી હવે એક વધુ રસપ્રદ વાર્તા લઈને આવી રહી છે. ફિલ્મ ‘ધ ગ્રેટ શમ્સુદ્દીન ફૅમિલી’ બાની અહમદની કહાની છે જે અમેરિકામાં પોતાની સપનાંની નોકરી માટે ખૂબ જ મહેનત કરી રહી છે. આ પાત્ર ક્રિતિકા કામરાએ ભજવ્યું છે. આ ફિલ્મ બાનીના જીવનના માત્ર ૧૨ કલાકની કહાની બતાવે છે. આ ૧૨ કલાકમાં તેણે એક મહત્ત્વનો પ્રોજેક્ટ પૂરો કરવો છે જે તેનાં સપનાંને નવી પાંખ આપી શકે છે. જોકે આ દરમ્યાન તેના ઘરે એક પછી એક સંબંધીઓ આવવા લાગે છે. દરેકની પોતાની જરૂરિયાત અને ઇમર્જન્સી છે. આ બધાની વચ્ચે બાની ફસાય છે. ૧૨ કલાકના પ્લૉટ પર આધારિત આ ફિલ્મમાં ભરપૂર ડ્રામા, ઝઘડા અને અલગ ધર્મ વચ્ચેનો તનાવ જોવા મળે છે.  આ ફિલ્મ ૧૨ ડિસેમ્બરથી જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

રિયલ કશ્મીર ફુટબૉલ ક્લબ

‘રિયલ કશ્મીર ફુટબૉલ ક્લબ’ એક સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ છે. આ સિરીઝ જમ્મુ અને કાશ્મીરની પહેલી પ્રોફેશનલ ફુટબૉલ ક્લબ ‘રિયલ કશ્મીર FC’ની સાચી જીવનકથા પર આધારિત છે. એક કાશ્મીરી હિન્દુ પંડિત અને એક કાશ્મીરી મુસ્લિમ. બન્ને મળીને ખીણમાંથી એક ટીમ ઊભી કરે છે અને રાષ્ટ્રીય સ્તરે પહોંચવાનું સપનું જુએ છે. આ સિરીઝમાં માનવ કૌલ અને મોહમ્મદ ઝીશાન અયુબ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝનું ૯ ડિસેમ્બરથી સોનીલિવ પર સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયું છે.

upcoming movie radhika apte tisca chopra zee5 kunal khemu netflix jio hotstar jammu and kashmir web series entertainment news bollywood bollywood news