14 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી
ટીવીની સૌથી લોકપ્રિય ઍક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ ખૂબ જાણીતી છે અને તે બૉલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટેના પ્રયાસ કરી રહી છે. પલકે અનેક મ્યુઝિક આલબમ્સ બાદ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં પલકના અભિનયની પ્રશંસા થઈ હતી. પલક સોશ્યલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. તે છેલ્લે ‘ભૂતની’માં જોવા મળી હતી.
પલક જ્યારથી ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તેની અને તેની મમ્મી શ્વેતાની સતત સરખામણી થતી રહી છે. આખરે લાંબા સમય પછી પલકે એક ઇન્ટરવ્યુમાં તેની અને તેની મમ્મી શ્વેતા વચ્ચે સતત થતી સરખામણી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી મમ્મીની દાયકાઓ લાંબી કરીઅર અને સફળતાને જોતાં તેમની સાથે મારી તુલના કરવી અયોગ્ય છે. સાચું કહું તો મને એનાથી કોઈ ફરક નથી પડતો. મારી મમ્મીએ જેકંઈ પ્રાપ્ત કર્યું છે એ પછી તેમની તુલના તેમનાથી અડધી ઉંમરની કોઈ વ્યક્તિ સાથે કરવામાં આવે એ ન્યાયી નથી. હું વાસ્તવિકતામાં ખૂબ ખુશ છું. મને નથી લાગતું કે હું તેમના જેવી દેખાઉં છું, પરંતુ મારું સપનું છે કે એક દિવસ હું મારી જાતને તેમના જેવી બનાવી શકું. જો તેમણે મેળવી છે એનાથી અડધી સફળતા પણ હું મેળવીશ તો પણ હું મારી જાતને સફળ માનીશ.’