07 January, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
થોડા સમય પહેલાં સની દેઓલનો એક વિડિયો ચર્ચામાં આવ્યો હતો. ધર્મેન્દ્રના અવસાનના થોડા દિવસ પહેલાંના એક વિડિયોમાં સની દેઓલ જુહુસ્થિત પોતાના ઘરને કૅમેરામાં કેદ કરતા ફોટોગ્રાફર્સને અપશબ્દો બોલીને તેમના પર ગુસ્સો કરતો જોવા મળ્યો હતો. હવે એક ઇન્ટરવ્યુમાં એક જાણીતા ફોટોગ્રાફરે સનીના આ ગુસ્સા વિશે પોતાનો મુદ્દો રજૂ કર્યો છે.
પોતાની વાત કરતાં આ ફોટોગ્રાફરે કહ્યું હતું કે ‘મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે સની પાજી પણ જયા બચ્ચનની જેમ ગુસ્સાવાળા સ્વભાવના છે. તેમનો સ્વભાવ જ એવો છે. ઘણા ભારતીયો ધરમજીને ખૂબ પ્રેમ કરે છે. ફોટોગ્રાફર્સ તેમના ઘરની સામે ઓછામાં ઓછા વીસથી ૩૦ ફુટ દૂર હતા અને માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા. અમે દર્શકોને બતાવવા માગતા હતા કે બૉલીવુડના સ્ટાર્સને તેમના માટે કેટલો આદર અને પ્રેમ છે. આ પહેલી વાર નથી થઈ રહ્યું અને અમે વર્ષોથી આવું જ કરીએ છીએ. જો સની દેઓલ એ સમયે ખૂબ દુઃખી હતા અને તેમને પ્રાઇવસી જોઈએ હતી તો તેઓ ગાળો આપ્યા વગર પણ વિનંતી કરી શકતા હતા. તેમણે અમને કહ્યું હોત તો અમે તરત જ પાછળ હટી જાત. અમે હંમેશાં સ્ટાર્સની વિનંતી અને લાગણીને માન આપીએ છીએ. આ ઘટના પછી મેં તરત મારી ટીમને ફોન કરીને કહ્યું કે હવે ધર્મેન્દ્રના ઘરે ન જાય અને તેમને થોડી પ્રાઇવસી આપે. આ પછી ધર્મેન્દ્રના અવસાનના સમાચાર આવ્યા ત્યાં સુધી મારી ટીમ ફરી ત્યાં ગઈ જ નહોતી.’