14 February, 2026 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમને ગોવિંદાની ખોટ ચોક્કસ અનુભવાશે
૨૦૦૬માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘ભાગમભાગ’ની સીક્વલમાં ગોવિંદાને રિપ્લેસ કરીને એની જગ્યાએ મનોજ બાજપાઈને સાઇન કરવામાં આવ્યો હોવાના રિપોર્ટ પછી સોશ્યલ મીડિયા પર ગોવિંદાના ચાહકો અપસેટ થઈ ગયા હતા. ઘણા લોકોએ મનોજ બાજપાઈને આ ભૂમિકામાં અનફિટ ગણાવી ટીકા પણ કરી હતી. હવે ‘ભાગમભાગ’ની સીક્વલના મુખ્ય કલાકારોમાંથી એક પરેશ રાવલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં પરેશ રાવલે કન્ફર્મ કર્યું છે કે સીક્વલમાં પોતે ડબલ રોલમાં જોવા મળશે અને સ્વીકાર્યું છે કે મનોજ બાજપાઈ ફિલ્મનો ભાગ હશે. વાતચીત દરમ્યાન પરેશ રાવલે કન્ફર્મ કર્યું છે કે મનોજ બાજપાઈ અને અક્ષય કુમારની જોડીમાં એક અલગ અને યુનિક કૉમ્બિનેશન રહેશે. ‘ભાગમભાગ’ની સીક્વલમાંથી ગોવિંદાને રિપ્લેસ કરવાના મામલે પરેશ રાવલે જણાવ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી, પણ સાથે-સાથે સ્વીકાર્યું છે કે તેમને ગોવિંદાની ખોટ ચોક્કસપણે અનુભવાશે.