03 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ
પરેશ રાવલ હાલમાં તેમનાં નિવેદનોને કારણે ચર્ચામાં છે. પરેશ રાવલે હાલમાં એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેમના ફૅન્સ તેમને ‘હેરા ફેરી 3’માં ફરીથી ‘બાબુરાવ’ના રોલમાં જોશે. જોકે આ પૉડકાસ્ટમાં તેમણે મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ઊંચા ભાવો અને રિક્લાઇનર સીટ વ્યવસ્થા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સાઉથ સિનેમાના મૉડલ સાથે બૉલીવુડની સરખામણી કરતાં કહ્યું હતું કે ત્યાં ટિકિટના ભાવ સામાન્ય રીતે ૨૦૦ રૂપિયાથી વધુ નથી હોતા.
આ પૉડકાસ્ટમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં પરેશ રાવલે જણાવ્યું હતું કે ‘જો સામાન્ય જનતા તમારી ફિલ્મને નકારી કાઢે અને માત્ર શ્રીમંત વર્ગ જ તમારી ફિલ્મોનું સમર્થન કરે તો એ ખોટું છે. જો પાંચ-છ સભ્યોનું મધ્યમવર્ગીય કુટુંબ ફિલ્મ જોવા જાય તો તેમના ૫૦૦૦-૬૦૦૦ રૂપિયા વપરાઈ જાય. એ ઉપરાંત એવી કોઈ ગૅરન્ટી નથી કે ફિલ્મ જોઈને તેમને મજા આવશે.’
આ વાતચીત દરમ્યાન પરેશ રાવલે મલ્ટિપ્લેક્સમાં બેસવાની વ્યવસ્થા વિશે પણ વાત કરી હતી અને એવા લોકો પર કટાક્ષ કર્યો હતો જેઓ ફિલ્મ જોવાને બદલે આરામ કરવા માટે જ મલ્ટિપ્લેક્સ જાય છે. તેમણે પૉપકૉર્ન અને કોલ્ડ ડ્રિન્ક્સના ઑર્ડર લેવા માટે વેઇટર ફરતા રહેવાના કન્સેપ્ટની પણ ટીકા કરતાં કહ્યું હતું કે આ કોઈ લગ્ન-સમારોહ નથી. પરેશ રાવલે કહ્યું કે ‘તમારે બેસીને ફિલ્મ જોવી જોઈએ, સૂઈને ન જોવાય. તમે સ્પામાં નથી આવ્યા, તમે ફિલ્મ જોવા આવ્યા છો. ઉપરાંત વેઇટરો આમ-તેમ ફરતા રહે છે. અમારે ‘હટ, હટ’ કહેવું પડે છે. અરે, આ ફિલ્મ છે, કોઈ લગ્ન-સમારોહ નથી. આરામથી સીટ પર બેસવું ઠીક છે, પરંતુ ઓશીકું લઈને કેમ બેસવું? આવું જ બેસવું હોય તો સ્પામાં જાઓ કે પછી મુજરો જોવા જાઓ.’