હું રાજકારણમાં હતો ત્યારે મારે રોજ બ્લડપ્રેશરની ત્રણ ગોળીઓ લેવી પડતી હતી

20 July, 2026 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરેશ રાવલે પોતાની પૉલિટિકલ કરીઅર વિશે વાત કરતાં કહ્યું કે મને સમજાઈ ગયું હતું કે એ મારું મૂળ કામ નહોતું

પરેશ રાવલ

હાલમાં પરેશ રાવલે સિનિયર ફિલ્મ-જર્નલિસ્ટ વિકી લાલવાનીના પૉડકાસ્ટમાં પોતાના જીવન સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓની સાથે-સાથે પોતાની રાજકારણની ટૂંકી સફર વિશે વાત કરી હતી. ૨૦૧૪માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદના પોતાના અનુભવ વિશે વાત કરતાં પરેશ રાવલે સ્વીકાર્યું કે રાજકારણની વાસ્તવિકતા તેમની કલ્પના કરતાં એકદમ અલગ હતી અને સતત પ્રવાસ, ભારે જવાબદારીઓ અને કામના દબાણની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર થવા લાગી હતી. પરેશ રાવલે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. જોકે થોડા સમય બાદ તેમણે સક્રિય રાજકારણથી દૂર થઈને સંપૂર્ણ ધ્યાન ફિલ્મો પર કેન્દ્રિત કર્યું હતું.રાજકારણના અનુભવ વિશે વાત કરતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘જ્યારે હું ૨૦૧૪માં રાજકારણમાં આવ્યો ત્યારથી મારી મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. મને બ્લડપ્રેશરની સમસ્યા પહેલેથી જ હતી, પણ રાજકારણમાં આવ્યા પછી દરરોજ ત્રણ ગોળીઓ લેવી પડતી હતી, કારણ કે ત્યાં કામ ખૂબ જ વધારે હોય છે. રાજકારણમાં આવતાં પહેલાં લાગતું હતું કે નેતાઓ ઍર-કન્ડિશન્ડ રૂમમાં આરામથી બેઠા રહેતા હશે, લોકો તેમના પગ દબાવતા હશે અને તેઓ કાજુ-કિસમિસ ખાતા હશે; પણ જ્યારે હું અંદર ગયો ત્યારે હકીકત સમજાઈ. ત્યાં એટલું કામ કરાવાય છે કે માણસ દોડતાં-ભાગતાં થાકી જાય. મેં રાજકારણ એટલે છોડ્યું કારણ કે એ મારું મૂળ કામ નહોતું. હું ત્યાં મર્યાદિત હેતુ સાથે ગયો હતો અને મારે કોઈ રાજકીય કારકિર્દી બનાવવી નહોતી. મને રાજકારણની એટલી ઊંડી સમજ પણ નહોતી. હું એટલું જ સમજી શક્યો કે આ ખૂબ જ ઉમદા કામ છે, પણ એમાં ચોવીસે કલાક સંપૂર્ણ રીતે જોડાયેલા રહેવું પડે. સંપૂર્ણ સમય આપશો તો જ તમે આ ક્ષેત્રમાં ટકી શકો છો.’પૉડકાસ્ટ દરમ્યાન પરેશ રાવલે રાજકારણમાં કામ કરવાની સિસ્ટમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘સિસ્ટમની સંપૂર્ણ સમજ ન હોવાને કારણે લોકોને આપેલાં વચનો પૂરાં ન કરી શકવાની સ્થિતિ ઊભી થતી હતી, જેના કારણે તેમને વારંવાર આશ્વાસન આપવું પડતું અને મને અંદરથી હું જૂઠો તથા બેઈમાન માણસ બનતો જઈ રહ્યો હોવાની લાગણી સતાવતી હતી. મારા વ્યક્તિત્વમાં ખામીઓ આવવા લાગી હતી અને અંતે એ મને સારો અભિનેતા રહેવામાં પણ મોટી અડચણ બની શકતું હતું.’

paresh rawal entertainment news bollywood news indian politics bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood