13 May, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્રલેખા
પત્રલેખાની લેટેસ્ટ ફિલ્મ ‘ફુલે’માં તેની ઍક્ટિંગનાં વખાણ થયાં છે અને લોકોએ સ્વીકાર્યું છે કે તે એક દમદાર ઍક્ટ્રેસ છે. જોકે પત્રલેખા સારી ઍક્ટ્રેસ હોવા છતાં ઘણા લોકો તેને રાજકુમાર રાવની પત્ની તરીકે જ ઓળખે છે. પત્રલેખાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે તેને રાજકુમાર રાવની પત્ની તરીકે ઓળખાવું બિલકુલ ગમતું નથી.
આ ઇન્ટરવ્યુમાં પત્રલેખાએ જણાવ્યું હતું કે ‘મને રાજકુમારની પત્ની તરીકે ઓળખાવું બિલકુલ નથી ગમતું. મને એનાથી ખરેખર નફરત છે અને હું મારી જાતને ખૂબ ઇન્ફિરિયર અનુભવું છું. મારું પણ એક નામ છે, મારું એક અસ્તિત્વ છે, મારી એક ઓળખ છે; પરંતુ એક પ્રખ્યાત પતિની આડમાં આ બધું છુપાઈ જાય છે. મારી કરીઅરનો સંઘર્ષ હજી ખતમ નથી થયો. ઘણા લોકોને લાગે છે કે મારી સફર સરળ રહી હશે, કારણ કે હું એક જાણીતા અભિનેતાને ડેટ કરતી હતી અથવા હવે તેની સાથે લગ્ન થઈ ગયાં છે, પરંતુ એવું નથી. મારો આગ્રહ છે કે મને ફક્ત એક લેબલ સુધી મર્યાદિત ન રાખવામાં આવે. હું આ રીતે જોવામાં ક્યારેય આરામદાયક અનુભવીશ નહીં અને જ્યાં સુધી શક્ય હશે એનો વિરોધ કરતી રહીશ.’
રાજકુમારની પત્ની હોવાને કારણે લોકોના તેના પ્રત્યેના અભિગમ વિશે વાત કરતાં પત્રલેખાએ કહ્યું હતું કે ‘લોકો ઘણી વાર મારી પાસે ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને આવે છે. એટલા માટે નહીં કે તેઓ ખરેખર મને પ્રોજેક્ટમાં ઇચ્છે છે, પરંતુ તેમને એવી આશા હોય છે કે હું રાજકુમાર રાવ માટે એક પુલનું કામ કરીશ. નિર્માતાઓ ઘણી વાર મારી પ્રતિભામાં રસ દર્શાવવાને બદલે મારા પતિને કાસ્ટ કરવાના છુપાયેલા ઇરાદા સાથે મારી પાસે આવે છે. આવું વર્તન ખૂબ અપમાનજનક લાગે છે. આ મારી ગરિમાનું અપમાન છે. મેં હંમેશાં મારી કરીઅર અને રાજકુમાર વચ્ચે એક રેખા દોરી રાખી છે.’