11 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા પછી ૨૦૨૨ની ૯ જુલાઈએ લગ્ન કર્યાં હતાં. જોકે હવે લગ્નનાં ત્રણ જ વર્ષમાં બન્ને ડિવૉર્સ લેવાનાં છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. પાયલ પતિ સંગ્રામ સિંહના ચૅરિટેબલ ટ્રસ્ટમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતી અને હાલમાં તેણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. પાયલે આ રાજીનામું આપવાનું કારણ વ્યક્તિગત જણાવ્યું છે. પાયલે સોશ્યલ મીડિયા પર આની જાહેરાત કરી અને કૅપ્શનમાં લખ્યું, ‘ક્યારેક શાંતિ બહુ દૂર લાગે છે.’
પાયલે રાજીનામાના પત્રમાં લખ્યું હતું, ‘હું વ્યક્તિગત કારણોસર સંગ્રામ સિંહ ચૅરિટેબલ ફાઉન્ડેશનના ડિરેક્ટરના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. હું બોર્ડને વિનંતી કરું છું કે તેઓ મારું રાજીનામું સ્વીકારે.’
પાયલની આ પોસ્ટ બાદથી તેમના અને સંગ્રામના છૂટાછેડાની ચર્ચા થઈ રહી છે. જોકે પાયલ અને સંગ્રામના છૂટાછેડા વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલાં ૨૦૨૪માં પાયલ અને સંગ્રામનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં બન્ને ઝઘડતાં જોવાં મળ્યાં હતાં. આ ક્લિપમાં પાયલે આરોપ મૂક્યો હતો કે તે માતા નથી બની શકતી એટલે સંગ્રામ તેની સાથે સારું વર્તન નથી કરતો. તેણે સંગ્રામના પરિવાર પર પણ આરોપ લગાવ્યો હતો કે તેમના મહિલાઓ પ્રત્યેના વિચારો જુનવાણી છે, તેઓ માને છે કે મહિલાઓનું કામ માત્ર ઘૂંઘટમાં રહીને ભોજન બનાવવાનું અને બાળકોનો ઉછેર કરવાનું છે.
જોકે સંગ્રામ સિંહે છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘અમારી વચ્ચે છૂટાછેડાની કોઈ વાત નથી. અમે ૧૪ વર્ષથી સાથે છીએ અને હંમેશાં રહીશું. હું મારું ધ્યાન સારું કામ કરવા પર રાખું છું. હું આવી છૂટાછેડાની વાતો પર ધ્યાન આપતો નથી અને હું પાયલને પણ વિનંતી કરીશ કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે.’
પાયલના રાજીનામા વિશે સંગ્રામ સિંહે કહ્યું, ‘આ પાયલનો નિર્ણય છે અને હું એનો આદર કરું છું. અમારી કામ કરવાની રીત અલગ છે. આવી સ્થિતિમાં પાયલે જે વિચાર્યું હશે એ અમારા માટે યોગ્ય હશે.’