Entertainment Update : The Ba***ds of Bollywoodની બીજી સીઝન બનાવવાનું ચાલી રહ્યું છે પ્લાનિંગ

24 August, 2026 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ ‘The Ba*ds of Bollywood’ની સફળતા બાદ ફૅન્સ બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. રાઇટર બિલાલ સિદ્દીકીએ જણાવ્યું કે નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ વચ્ચે સીઝન 2ને લઈને વાતચીત ચાલી રહી છે

The Ba***ds of Bollywoodની બીજી સીઝન બનાવવાનું ચાલી રહ્યું છે પ્લાનિંગ

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને વર્ષ ૨૦૨૫માં ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. નેટફ્લિક્સની આ સાત એપિસોડની સિરીઝમાં બૉલીવુડની ચમક-દમકની સાથે ઇન્ડસ્ટ્રીની અંદરની ઊથલપાથલ અને મજેદાર પાસાંને હળવા અંદાજમાં દર્શાવવામાં આવ્યાં હતાં.  આ સિરીઝની સફળતા બાદ ફૅન્સ એની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે ત્યારે સિરીઝના રાઇટર બિલાલ સિદ્દીકીએ બીજી સીઝનને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે માહિતી આપી હતી કે નેટફ્લિક્સ અને શાહરુખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે બીજી સીઝનને લઈને વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે. આ સિરીઝ ખૂબ ચર્ચામાં રહી હતી અને નેટફ્લિક્સની ગ્લોબલ ટૉપ ૧૦ લિસ્ટમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

OTT જંક્શન

વેલકમ ટુ ધ જંગલ

અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘વેલકમ ટુ ધ જંગલ’ એક મલ્ટી-સ્ટારર ઍક્શન-ઍડ્વેન્ચર કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ‘વેલકમ’ અને ‘વેલકમ બૅક’ પછીની આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.
આ ફિલ્મની વાર્તા કાજા નામના એક ભ્રષ્ટ રાજકારણી અને અબજોપતિ બિઝનેસમૅનની આસપાસ ફરે છે. તે પોતાની કાળી કમાણી બચાવવા અને ટૅક્સ-ચોરી કરવા માટે જાણીજોઈને એક ફ્લૉપ ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે. આ માટે તે ૨૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરે છે. તે આ પ્રોજેક્ટ માટે બે સંપૂર્ણપણે નિષ્ફળ અને નકામા ડિરેક્ટર્સ દેવ એટલે કે રાજપાલ યાદવ અને દાસ એટલે કે પરેશ રાવલને કામ પર રાખે છે. આ ફિલ્મનું નામ ‘વેલકમ ટુ ધ જંગલ’ રાખવામાં આવે છે, જેમાં એક ફ્લૉપ હીરો રાજીવ એટલે કે અક્ષય કુમારને મુખ્ય રોલમાં લેવામાં આવે છે. શૂટિંગ દરમ્યાન આ આખી ટીમ એક અસલી જંગલમાં મુશ્કેલીઓ અને ગુનેગારો વચ્ચે ફસાઈ જાય છે ત્યારે શરૂ થાય છે કન્ફ્યુઝન અને હાસ્યનો ડબલ ડોઝ. આ ફિલ્મ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

પૈચાન કૌન?

‘3 ઇડિયટ્સ’, ‘પીકે’, ‘સુલતાન’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મોમાં મહત્ત્વનો રોલ કરનાર સિનિયર ઍક્ટર પરીક્ષિત સાહની તાજેતરમાં પબ્લિક પ્લેસ પર જોવા મળ્યા હતા. તેઓ લાકડીના સહારે લથડાઈને ચાલતા જોવા મળ્યા હતા અને તેમની આ હાલત જોઈને ફૅન્સ ખૂબ ચિંતિત થઈ ગયા હતા.
હાલમાં પરીક્ષિત સાહની ૮૨ વર્ષના છે અને તેમની તાજેતરની તસવીરો તથા વિડિયો જોઈને તેમના ફૅન્સનું દિલ તૂટી ગયું છે. આ સમયે પરીક્ષિત સાહનીએ પાયજામો અને ટી-શર્ટ પહેર્યું હતું. તેમણે લાલ ટોપી પહેરી હતી અને લાકડીના સહારે ચાલી રહ્યા હતા. એક સ્ટાફ મેમ્બર પણ તેમને ખભેથી સહારો આપીને ચાલવામાં મદદ કરી રહ્યો હતો. પરીક્ષિત સાહનીનો આ વિડિયો જોઈને ફૅન્સ સહાનુભૂતિની લાણી વ્યક્ત કરી રહ્યા છે.

aryan khan netflix web series red chillies entertainment entertainment news