10 April, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજકુમારનું અવસાન થયું એ દિવસે નરેન્દ્ર મોદીએ તેમની સાથેની પોતાની આ તસવીરો શૅર કરી
મનોજકુમારનું ૪ એપ્રિલે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના નિધન પછી દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત ઍક્ટરનાં પત્ની શશી ગોસ્વામીને એક પત્ર લખીને પોતાની સંવેદના જાહેર કરી છે. વડા પ્રધાને પત્રમાં મનોજકુમારની સિદ્ધિઓને યાદ કરીને તેમની સાથેની મુલાકાતો તેમ જ વાતોનો ઉલ્લેખ કર્યો છે. વડા પ્રધાને લખ્યું છે કે તેઓ મનોજકુમાર સાથેની મુલાકાતો તેમ જ વાતોને હંમેશાં યાદ રાખશે. આ પહેલાં પણ મનોજકુમારના અવસાનના સમાચાર આવ્યા ત્યારે વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
૭ એપ્રિલે સોમવારે લખેલા આ પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે, ‘શ્રી મનોજકુમારના નિધનથી અત્યંત દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના પરિવાર તેમ જ શુભચિંતકો સાથે છે. દિગ્ગજ અભિનેતા અને ફિલ્મકાર શ્રી મનોજકુમારજીએ પોતાની ફિલ્મોના માધ્યમથી ભારતના ગૌરવને પ્રભાવશાળી રીતે દર્શાવ્યું છે. તેમની અનેક ફિલ્મોએ દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારતના મહત્ત્વાકાંક્ષી યુવાન તરીકેનાં તેમનાં વિવિધ પાત્રોએ એક તરફ દેશની સ્વતંત્રતા માટેના સંઘર્ષને જીવંતસ્વરૂપે દર્શાવ્યો છે, તો બીજી તરફ રાષ્ટ્રના ભવિષ્યને વધારે સારું બનાવવા માટે લોકોને પ્રોત્સાહન આપ્યું છે. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને કલાત્મક રીતે અભિવ્યક્ત કરીને તેમણે સિનેમાને નિરંતર સમૃદ્ધ કર્યું છે. ભારતીય સંસ્કૃતિ તેમ જ મૂલ્યો પર આધારિત તેમની ફિલ્મોનાં અનેક ગીત દેશ પ્રત્યેના સ્નેહ અને સમર્પણની ભાવનાને વ્યક્ત કરે છે. લોકો હંમેશાં એને યાદ રાખશે. શ્રી મનોજકુમારજી સાથે થયેલી મુલાકાતો અને વિચારપૂર્ણ ચર્ચા મને હંમેશાં યાદ રહેશે. તેમનું કાર્ય આપણી પેઢીઓને દેશ તેમ જ સમાજ માટે કાર્ય કરવાની પ્રેરણા આપતું રહેશે. તેમનું અવસાન ફિલ્મજગત માટે એક ભરી ન શકાય એવી ખોટ છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ શોકાતુર પરિજનો તેમ જ અસંખ્ય શુભચિંતકોને આ દુઃખ સહન કરવા માટે ધૈર્ય રાખવામાં મદદ કરે.’ મનોજકુમારનું અવસાન થયું એ દિવસે નરેન્દ્ર મોદીએ તેમની સાથેની પોતાની આ તસવીરો શૅર કરી હતી.