સૈફના હુમલાખોર પાસેથી પોલીસને જોઈએ છે ૧૫ સવાલના જવાબ

21 January, 2025 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી મોહમ્મદ શેહઝાદની પૂછપરછમાં નીચે મુજબની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે

મોહમ્મદ શેહઝાદ

સૈફ અલી ખાન ઉપર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા મોહમ્મદ શેહઝાદની મુંબઈ પોલીસે પાંચ દિવસની કસ્ટડી મેળવી છે. પોલીસે કોર્ટમાં આરોપી પાસેથી ૧૫ સવાલના જવાબ મેળવવા માટે કસ્ટડી મેળવવાની માગણી કરી હતી. પોલીસ આરોપી મોહમ્મદ શેહઝાદની પૂછપરછમાં નીચે મુજબની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છેઃ

 આરોપીએ કોઈના કહેવાથી સૈફના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો?

 સૈફના ઘરનું સરનામું આરોપીને કોઈએ આપ્યું હતું?

 આરોપીએ હુમલો કર્યા બાદ બદલેલાં કપડાં ક્યાં છુપાવ્યાં છે?

 બંગલાદેશના મોહમ્મદ શેહઝાદે વિજય દાસ જ નામ કેમ પસંદ કર્યું?

 હુમલા વખતે તૂટી ગયેલા ચાકુના ત્રણ ભાગ થયા હતા. એમાંનો ચાકુનો ત્રીજો ભાગ ક્યાં છુપાવ્યો કે ફેંક્યો છે?

 બંગલાદેશમાંથી આરોપી ભારતમાં પાસપોર્ટ વગર કેવી રીતે પ્રવેશ્યો? તે કયા રૂટથી ભારતમાં અને ત્યાર બાદ મુંબઈ પહોંચ્યો હતો?

 આરોપીને બંગલાદેશમાંથી ભારતમાં પ્રવેશવા માટે કોણે મદદ કરી હતી?

 ભારતમાં ગેરકાયદે પ્રવેશ મેળવ્યા બાદ કોઈએ રહેવા માટે મદદ કરી હતી?

 બંગલાદેશમાંથી આરોપી ભારતમાં ક્યારે પ્રવેશ્યો અને કેટલા સમયથી તે અહીં છે?

 આરોપી સાથે બીજું કોઈ પણ ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યું છે?

 સૈફના ઘરમાં તે શા માટે ઘૂસ્યો હતો?

 આરોપીએ હુમલામાં વાપરેલું ચાકુ ક્યાંથી લીધું હતું?

 આરોપી સામે બંગલાદેશ કે ભારતમાં અગાઉ કોઈ ગુનો નોંધાયો છે?

 બંગલાદેશમાંથી તે ભારતમાં શા માટે ભાગી આવ્યો?

 આરોપી ભારતમાં ગેરકાયદે રહેતા બંગલાદેશ, પાકિસ્તાન કે બીજા કોઈ દેશના લોકોના સંપર્કમાં છે?

પોલીસે લીધેલાં ફિંગરપ્રિન્ટનાં ૧૯ નિશાન શેહઝાદનાં જ નીકળ્યાં
સૈફ અલી ખાન ઉપર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા મોહમ્મદ શેહઝાદના હાથની ૧૯ ફિંગરપ્રિન્ટ સૈફના ઘર અને બિલ્ડિંગમાંથી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ સૈફના ઘરના બાથરૂમ, ડક્ટ શાફ્ટ અને બિલ્ડિંગના પગથિયાં સહિત બીજી જગ્યાએથી આરોપીની ફિંગરપ્રિન્ટ હાથ લાગી હતી, જે સૈફના ઘરમાં હુમલો થયા બાદ મેળવવામાં આવી હતી. આરોપીની આ ફિંગરપ્રિન્ટ ભારતમાં રહેતા ગુનેગારોની ફિંગરપ્રિન્ટ સાથે મૅચ કરવા માટે રાજ્ય અને ભારતના ડેટાબેઝમાં મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ પણ સાથે એ મૅચ નહોતી થઈ હતી. આરોપી બંગલાદેશનો હોવાનું જણાઈ આવ્યું છે અને તેનો પોલીસમાં કોઈ રેકૉર્ડ ન હોવાનું સ્પષ્ટ થયું છે. 

bollywood buzz bollywood news bollywood gossips saif ali khan mumbai police mumbai crime branch