08 July, 2026 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઓશો, પૂજા અને મહેશ ભટ્ટ
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ એક સમયે ઓશો (રજનીશ)ના અનુયાયી હતા અને 1970 ના દાયકા દરમિયાન પુણેના ઓશો આશ્રમની વારંવાર મુલાકાત લેતા હતા. બાદમાં, તેમણે ઓશોથી અલગ થઈને યુ. જી. કૃષ્ણમૂર્તિને તેમના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે, તેમની દીકરી અને અભિનેત્રી પૂજા ભટ્ટે એક મુલાકાતમાં તે સમયગાળાના ઘણા અનુભવો શૅર કર્યા છે અને સમજાવ્યું છે કે તેના પિતાએ ઓશોને કેમ છોડી દીધા.
એક પોડકાસ્ટમાં બોલતા, પૂજા ભટ્ટે કહ્યું, "મારા પિતા રજનીશ ચળવળનો ભાગ હતા. એક દિવસ, તેમણે તેમના ગળામાંથી માળા ઉતારી લીધો અને તેને ટૉયલેટમાં ફ્લશ કરી દીધી. આ પછી, તેમને આશ્રમમાંથી બૅન કરવામાં આવ્યા. તેઓ ત્યાનાં બળવાખોર બની ગયા હતા." પૂજાએ ખુલાસો કર્યો કે આ ઘટના પછી, તેમની માતાને અભિનેતા વિનોદ ખન્ના દ્વારા મૅસેજ મળ્યા. તેણે કહ્યું, "મને યાદ છે કે મારી માતાને વિનોદ ખન્ના દ્વારા મૅસેજ મળ્યો હતો કે `ભગવાન` ખૂબ ગુસ્સે છે અને મહેશને બરબાદ કરી નાખશે. જ્યારે હું નાની હતો, ત્યારે મને મધ્યરાત્રિએ પુણેના એક સેફહાઉસમાં લઈ જવામાં આવી હતા.”તેણે આગળ કહ્યું કે જ્યારે લોકો ઓશોને છોડીને જાય છે તે તેમને ગમતું નથી. મા શીલા સાથે પણ આવું જ થયું. મૂળ ભય એ છે કે: `તમે મને સર્વોચ્ચ શિખર પર કેમ નથી બેસાડી શકતા?` તમે આધ્યાત્મિક નેતા હો કે રાજકારણી, તમે ઇચ્છો છો કે તમારી પૂજા થાય." આશ્રમના અનુભવો શૅર કરતા પૂજા ભટ્ટે ઉલ્લેખ કર્યો કે તેણે બાળપણમાં ઓશો આશ્રમની મુલાકાત લીધી હતી અને ઓશોના પગને પણ સ્પર્શ કર્યો હતો. તેણે કહ્યું, "ત્યાંના લોકો પણ તપાસ કરતા હતા કે તમે કોઈ પરફ્યુમ તો લગાવી નથી આવ્યા ને, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે ઓશોને સુગંધ પસંદ નથી. પરિણામે, પરફ્યુમ અથવા શૅમ્પૂનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી."
થોડા વર્ષો પહેલા, મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે તેમની ફિલ્મો ‘મંઝીલેં ઔર ભી હૈ’ (1974) અને વિશ્વાસઘાત (1977) બૉક્સ ઓફિસ પર સફળ થઈ ન હતી. ત્યારબાદ, તેઓ આધ્યાત્મિક માર્ગની શોધમાં ઓશો તરફ વળ્યા. તેમણે કહ્યું, "હું ઓશો રજનીશ પાસે ગયો હતો. મેં મારી જાતને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દીધી હતી. હું ભગવા વસ્ત્રો પહેરતો હતો અને દિવસમાં પાંચ વખત ધ્યાન કરતો હતો." પછીથી, મહેશ ભટ્ટને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાની જાત સાથે પ્રમાણિક નથી. તેમણે કહ્યું, "મને અંદરથી ઈર્ષ્યા થતી હતી, છતાં હું બહારથી પવિત્ર વસ્તુઓ વિશે વાત કરતો હતો. મને લાગ્યું કે હું દંભી બની ગયો છું. ત્યારે મને લાગ્યું કે આ બધું નિરર્થક છે અને હું મારી જાતને છેતરી રહ્યો છું." આ અનુભૂતિ પછી જ તેમણે ઓશોથી અલગ થઈ ગયા.