21 November, 2026 07:55 AM IST | Mumbai | Ruchita Shah
‘કિંગ અંકલ’માં જૅકી શ્રોફ સાથે અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની ચુટકી ઉર્ફ પૂજા રૂપારેલ
ભારતીય સિનેમાજગતની રેકૉર્ડ-બ્રેકર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની ચુટકી યાદ છે? આ ફિલ્મના મુખ્ય પાત્ર સિમરન ઉર્ફ કાજોલની નાની બહેનની ભૂમિકા ભજવનારી એ નાનકડી છોકરીનો એક ડાયલૉગ ખૂબ જ પ્રચલિત થયો હતો...‘જો લોગ મુઝે અચ્છે લગતે હૈં વો મુઝે ચુટકી બુલાતે હૈં...’ એ જ ચુટકી એટલે કે પૂજા રૂપારેલ અત્યારે ઇન્ટરનેટ પર વાઇરલ છે અને કોઈ ફિલ્મ કે બૉલીવુડની ગૉસિપને કારણે નહીં પણ મુંબઈના એક પાર્કમાં બનેલી એવી ઘટનાને લીધે જેણે તેને રડાવી દીધી. ૧૮ નવેમ્બરે વર્સોવાના નાના-નાની પાર્કમાં જૂના વડ સહિત અનેક ઝાડ કપાઈ રહ્યાં હતાં. પૂજા ત્યાં પહોંચી તો વૃક્ષોને કપાતાં જોઈને પોતાનાં આંસુ રોકી શકી નહીં.
મુંબઈના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત વર્સોવાથી ભાઈંદર લિન્ક રોડ માટેના પ્રોજેક્ટના દાયરામાં આવતાં ૧૧૧૩ વૃક્ષોમાંથી ૩૪૮ વૃક્ષો કાપવા અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કરાયું છે અને એનો મોટો હિસ્સો વર્સોવાના નાના-નાની પાર્કમાં આવેલો છે. બુધવારે એટલે કે ૧૮ નવેમ્બરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ એકાએક પોલીસ-બંદોબસ્ત સાથે પાર્કમાં વૃક્ષો કાપવાનું શરૂ કર્યું જેમાં એક જૂના હેરિટેજ વડનું વૃક્ષ પણ હતું. રાત્રે પણ કામગીરી ચાલુ રાખી. પાર્કમાં નિયમિત આવતા રહેવાસીઓ અને અભિનેત્રી પૂજા રૂપારેલ સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા અને વિરોધ કર્યો. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કેટલાક રહેવાસીઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. નાના-નાની પાર્કનાં કુલ આશરે ૨૫૦ વૃક્ષોમાંથી ૧૩૭ વૃક્ષો અસરગ્રસ્ત થવાનાં છે જેમાં ૮૯ વૃક્ષો કાપવાનાં અને ૪૮ વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ એટલે કે સ્થળાંતરિત કરવાનાં છે, પરંતુ ૧૯ નવેમ્બરે જ્યારે નાગરિકો BMCની K-West વૉર્ડની ઑફિસ ગયા ત્યારે અધિકારીઓએ કબૂલ્યું કે આ ૪૮ વૃક્ષોને ક્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનાં છે એ જગ્યા જ હજી નક્કી થઈ નથી. ટ્રી-ઑથોરિટીમાં કાયદા મુજબ નિષ્ણાત સભ્યોની નિમણૂક ન થઈ હોવાથી આ રીતે વૃક્ષ કાપવાની, અડધી રાતે વૃક્ષ કાપવાની પરવાનગી ગેરકાયદે છે અને ત્યાંના સ્થાનિકોએ ૪૮ કલાકની લીગલ નોટિસ આપી છે.
આ આખી ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ કરતો પૂજા રૂપારેલનો વિડિયો કઠણ હૃદયની વ્યક્તિને પણ પીગળાવી દેનારો છે. વિડિયોમાં હાથમાં વૃક્ષનાં ફળ લઈને રડતાં-રડતાં પૂજા કહે છે, ‘આ અમારા પૂર્વજ છે, તેમણે એમને ચીરી નાખ્યા. આ જીવાત્મા છે. અમારા માથા પર એમનો હાથ હતો. તમે માથા પરથી એ હાથ છીનવી લીધો. કેવી રીતે આ કોઈ ડેવલપમેન્ટ હોઈ શકે? મારાં મમ્મી-પપ્પાને તમે કંઈ નથી આપ્યું પણ આ ઝાડે આપ્યું છે. મારાં નાના-નાની, મારાં દાદા-દાદીને આ ઝાડે ઑક્સિજન આપ્યું છે. અમે ૫૦ વર્ષથી અહીં રહીએ છીએ અને અમારા પહેલાંથી અહીં આ ઝાડ હતું અને છતાં આ લોકો કહે છે કે ઝાડ ૩૫ વર્ષનું જ છે? તમે કેવી રીતે આટલા અનગ્રેટફુલ થઈ શકો છો? તમે ઝાડ નથી કાપી રહ્યા, તમે પોતાને મારી રહ્યા છો… કેમ મારી રહ્યા છો પોતાને… ભગવાન માટે બંધ કરો.’
આંખોમાં આંસુ અને અવાજમાં આક્રોશ સાથે BMCના કર્મચારીઓને પડકારતા પૂજાના આ વિડિયોએ સોશ્યલ મીડિયા પર ચકચાર મચાવી છે ત્યારે જાણી લો કે પૂજા રૂપારેલ ખરેખર છે કોણ? તેની જીવનયાત્રા કેવી રહી છે અને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યેનું આવું જોડાણ આ અભિનેત્રીના જીવનમાં કેવી રીતે આવ્યું?
મુંબઈમાં જન્મેલી અને ઇન્ડસ્ટ્રિયલ સાઇકોલૉજીમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતી પૂજાની મમ્મી હાઉસવાઇફ અને પિતા બિઝનેસમૅન હતાં. અૅક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનાં મમ્મી અને પૂજાનાં મમ્મી કઝિન બહેન અને તેમનો ઉછેર સાથે એક જ ઘરમાં થયો. એ દૃષ્ટિએ સોનાક્ષી સિન્હા અને પૂજા કઝિન બહેનો છે. ૪ વર્ષની ઉંમરે મૉડલિંગથી કરીઅરની શરૂઆત થયા બાદ પહેલાં જૅકી શ્રોફની ‘કિંગ અંકલ’ નામની ફિલ્મમાં લીડ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેણે કામ કર્યું. એ પછી ૧૩ વર્ષની ઉંમરે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં ચુટકીની ભૂમિકા ભજવીને દેશભરમાં અપાર લોકપ્રિયતા મેળવી. ત્યાર બાદ તેણે ‘દિલ સે’; ‘X: પાસ્ટ ઇઝ પ્રેઝન્ટ’; ‘અમિત સાહની કી લિસ્ટ’; ગુજરાતી ફિલ્મ ‘પહેલા અઢી અક્ષર’ તેમ જ ‘24’, ‘LOC’ અને ‘ઝબાન સંભાલ કે’ જેવી વેબ-સિરીઝ; ‘ધ વજાઇના મૉનોલૉગ્સ’ જેવાં ઢગલાબંધ નાટકો કર્યાં છે. ભગવદ્ગીતા અને વેદાંતની અભ્યાસુ પૂજાએ કૉર્પોરેટ ટ્રેઇનર, ગીતકાર, લેખક, માર્શલ આર્ટ્સમાં બ્લૅક બેલ્ટ અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે પણ પોતાની અલગ ઓળખ બનાવી છે અને આજે તે મુંબઈના પર્યાવરણ તથા અંધેરીના વર્સોવા વિસ્તારના નાના-નાની પાર્કનાં વૃક્ષો બચાવવા માટે હજારો પર્યાવરણપ્રેમીઓનો અવાજ બની ગઈ છે.
નાનીનું ઘર વર્સોવામાં હતું અને ત્યારથી જ પૂજા વર્સોવામાં મોટી થઈ અને અહીં જ વસી ગઈ. ૬ મહિના પહેલાં સુધી પૂજાને રાજકારણ કે ઍડ્મિનિસ્ટ્રેશનને લગતી બાબતો સાથે કોઈ લેવાદેવા નહોતા. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં પૂજા કહે છે, ‘હું પહેલાં ‘ઍડ્જસ્ટમેન્ટ ક્વીન’ હતી. કોઈ પણ સ્થિતિમાં ઢળી જતી. ધૂળ આવે તો સ્પંજ લગાવીને ચલાવી લેતી. વધતા પ્રદૂષણનો વિરોધ કરવાને બદલે ઘરમાં ઍર-પ્યૉરિફાયર વસાવી લીધું. માસ્ક પહેરવાનું શરૂ કર્યું. મને અને મારી બહેનને શ્વાસની તકલીફ થઈ ગઈ તો પણ જતું કર્યું. જોકે છેલ્લા ૬ મહિનામાં બધું બદલાઈ ગયું. વર્સોવામાં જ બાળપણ વીત્યું છે અને બાળપણમાં જે મુંબઈ સ્વર્ગ જેવું હતું એને સિસ્ટમૅટિકલી નરક બનાવી દેવાયું એ બાબતો મારા ધ્યાનમાં આવી. હદ તો ત્યારે થઈ જ્યારે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ ૯ માર્ચની એક ડ્રાઇવ રાખી હતી જેમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ઝાડને અને અમારા નાના-નાની ગાર્ડનને બચાવવા માટે ચર્ચા થવાની હતી, પરંતુ એને બદલે વનસાઇડેડ કમ્યુનિકેશન થયું. અહીંના રહેવાસીઓ, નિષ્ણાતો અને વકીલોએ મહેનતથી ઑલ્ટરનેટ પ્લાન બનાવેલી રજૂઆતને સાંભળવામાં જ ન આવી અને એને બદલે અધિકારીઓએ પોતાની વાતને કહીને ચાલતી પકડી. જાણે કે અમને રિમાન્ડ પર લેવાયા હોય. નોટરાઇઝ્ડ દસ્તાવેજોમાં વૃક્ષનું સ્થળાંતર ક્યાં કરશો, ક્યારે કરશો જેવી વિગતો સામે ખાલી જગ્યાઓ છોડવામાં આવી હતી એ જોયું, નિયમો અને પ્રક્રિયાનો ખુલ્લેઆમ ભંગ થતો જોઈને હું હેબતાઈ ગઈ. મને સમજાઈ રહ્યું હતું કે અત્યારે જે હવાનું પ્રદૂષણ મુંબઈમાં વધી રહ્યું છે એમાં અમને તો ચોખ્ખી હવા નથી જ મળતી પણ સાથે બાળકોના બ્રેઇનને અસર થઈ રહી છે. લોકોમાં કૅન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અમારા ઘરમાં બે જણને કૅન્સર થઈ ચૂક્યું હતું. આજે જ્યાં વર્સોવાનું નાના-નાની પાર્ક છે ત્યાં પહેલાં ધોબી ઘાટ હતો અને ૧૯૯૦ના દાયકાના અંતમાં અમિતાભ બચ્ચનના હાથે આ પાર્કનું ઉદ્ઘાટન થયું હતું. લોકોએ પોતાના જન્મદિવસ પર અહીં વૃક્ષો વાવ્યાં અને સિનિયર સિટિઝન્સ તથા બાળકો માટે આ પાર્ક શ્વાસ લેવાની જગ્યા બની. આજે જ્યારે એ ગાર્ડનમાં ટહેલવાનો તેમનો ખરો સમય આવ્યો છે ત્યારે એને બચાવવાની મહેનત કરવી પડી રહી છે.’
યુનાઇટેડ નેશન્સની ઇન્ટરગવર્નમેન્ટ ક્લાઇમેટ ચેન્જ પૅનલે ગયા વર્ષે ચેતવણી આપી હતી કે પચ્ચીસ વર્ષમાં મુંબઈનો ૮૦ ટકા હિસ્સો ડૂબી શકે છે. એ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘જે વૃક્ષો અને મૅન્ગ્રોવ્ઝ શહેરને ડૂબતું બચાવે છે એને જ કાપીને તમે કયા ભવિષ્ય માટે ડેવલપમેન્ટ કરી રહ્યા છો? કોસ્ટલ રોડને શહેરની વચ્ચોવચથી કેમ લઈ જઈ રહ્યા છો? શું આપણે આ જ બધા માટે ટૅક્સ ભરીએ છીએ? મુંબઈમાં એક માણસને પૂરતા ઑક્સિજન માટે ૪ વૃક્ષો જોઈએ, જ્યારે અહીં માથાદીઠ એક વૃક્ષનો ૦.૨૮ ટકા હિસ્સો જ બચ્યો છે. એક વૃક્ષ ૧૫ લાખ રૂપિયાની સેવા નિઃશુલ્ક આપે છે. તમે એ જ વૃક્ષો કાપીને અમને ઍર-પ્યૉરિફાયર વગેરે થકી એ સેવા ખરીદવાનું કહો છો? અને જો તમે એ અફૉર્ડ ન કરી શકો તો મરી જાઓ એમ જને? હકીકતમાં આપણું સંવિધાન એ એક જાતનું વૉરન્ટી કાર્ડ હતું જે દેશના નાગરિકોને સ્વસ્થતાપૂર્વક જીવવા મળે એવા વાતાવરણ અને સુવિધાઓ આપવાની બાંયધરી આપતું હતું. એને બદલે અત્યારે ઑથોરિટી એની મજાક ઉડાવી રહી છે. પ્રૉબ્લેમ એ છે કે આપણને શુદ્ધ હવા જોઈએ જ એવું હકપૂર્વક માગતા નથી. આપણે લડતા નથી એટલે ઑથોરિટી પોતપોતાના ફાયદા મુજબ આગળ વધી રહી છે. જો આખા શહેરની જનતા એકસાથે જાગી જાય તો ઑથોરિટીને આંખે પાણી આવી જાય એમ છે. જો આપણે બધા જ જાગીએ તો પરિવર્તન શક્ય છે.’