જે ફૌજીની લીક થયેલી તસવીરો શૅર કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

06 April, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયામાં નોટિસ જાહેર કરી

ફિલ્મ ‘ફૌજી’નું પોસ્ટર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આવનારી ફિલ્મ ‘ફૌજી’ને લઈને હાલમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર લીક થઈ ગઈ હતી, જેના પછી નિર્માતાઓએ કડક પ્રતિક્રિયા આપી છે અને નોટિસ જાહેર કરી છે.

ફિલ્મ ‘ફૌજી’ના નિર્માતાઓએ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું કે ‘કેટલાક સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ સેટ પરથી લીક થયેલી તસવીરો શૅર કરી રહ્યા છે. આવા કોઈ પણ કન્ટેન્ટની ફરિયાદ કરવામાં આવશે અને એમાં સામેલ લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આવી લીક થયેલી માહિતી એ અનુભવને નુકસાન પહોંચાડે છે, જે અમે ખૂબ મહેનતથી તૈયાર કરી રહ્યા છીએ. મોટા પડદા પર દર્શકોને જે જોવા મળશે એ આ લીક થયેલી વસ્તુઓ કરતાં ઘણું વધારે વિશાળ અને ખાસ હશે. આ સાથે જ બધાને વિનંતી કરીએ છીએ કે લીક થયેલા કન્ટેન્ટને શૅર ન કરે અને એને આગળ ન વધારે.’

મળતી માહિતી પ્રમાણે ‘ફૌજી’ બે ભાગમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે એનો બીજો ભાગ પહેલા ભાગની ઘટનાઓ પહેલાંની વાર્તા દર્શાવશે એટલે કે એ એક પ્રીક્વલ તરીકે કામ કરશે.

prabhas upcoming movie viral videos social media entertainment news bollywood bollywood news