18 June, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રીતિ ઝિન્ટાની ફાઇલ તસવીર
જ્યાં એકતરફ બોલિવૂડ (Bollywood)ની અનેક હસ્તીઓ લક્ઝરી રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કરી રહી છે, ત્યાં બીજી તરફ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) મુંબઈ (Mumbai)માં આવેલી પોતાની પ્રોપર્ટીના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કરી રહી હોય તેમ જણાય છે. તાજેતરના મહિનાઓમાં બે પ્રીમિયમ એપાર્ટમેન્ટ વેચ્યા બાદ, અભિનેત્રીએ હવે બાંદ્રા (Bandra)ના પ્રખ્યાત પાલી હિલ (Pali Hill)વિસ્તારમાં એક આલીશાન ઘર ભાડે લીધું છે. આ નવું ઘર પોશ ગણાતા આર્ટ વેદા બિલ્ડિંગ (Art Veda)માં આવેલું છે, જેનું મહિનાનું ભાડું રુપિયા ૬ લાખથી શરૂ થાય છે. આ નવો સોદો અભિનેત્રીના રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રના તાજેતરના આયોજનની ઝલક દર્શાવે છે.
રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ `CRE Matrix` દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ મુંબઈના પોશ ગણાતા બાંદ્રા (વેસ્ટ)ના પાલી હિલ વિસ્તારમાં બે વર્ષ માટે એક એપાર્ટમેન્ટ ભાડે (Preity Zinta rents a luxury apartment in Pali Hill) લીધું છે, જેનું શરૂઆતી માસિક ભાડું રુપિયા ૬ લાખ છે. લીવ-એન્ડ-લાયસન્સ કરાર દર્શાવે છે કે આર્ટ વેદા બિલ્ડિંગમાં આવેલું આ એપાર્ટમેન્ટ ૧,૫૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેમાં ૧૦૦ ચોરસ ફૂટની પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. આ પ્રોપર્ટી એમએસ યુનિયન લેન્ડ એન્ડ બિલ્ડિંગ સોસાયટી લિમિટેડ પાસેથી લીઝ પર લેવામાં આવી છે અને આ કરાર ૨૭ મે, ૨૦૨૬થી અમલમાં આવ્યો છે.
કરાર મુજબ, પ્રથમ ૧૨ મહિના માટે માસિક લાયસન્સ ફી રુપિયા ૬ લાખ રહેશે, જે બાકીના ૧૨ મહિના માટે વધીને રુપિયા ૬.૫ લાખ પ્રતિ મહિનો થઈ જશે. દસ્તાવેજો અનુસાર આ સોદામાં રુપિયા ૨૭ લાખની સિક્યોરિટી ડિપોઝિટ પણ સામેલ છે. આ મામલે પ્રતિક્રિયા માટે પ્રીતિ ઝિન્ટા અથવા મકાનમાલિકનો સંપર્ક થઈ શક્યો ન હતો.
પ્રીતિ ઝિન્ટાના અન્ય રિયલ એસ્ટેટ સોદાની વાત કરીએ તો, `CRE Matrix` દ્વારા મેળવવામાં આવેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર આ વર્ષની શરૂઆતમાં પ્રીતિ ઝિન્ટાએ મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં પોતાનું એક એપાર્ટમેન્ટ રુપિયા ૧૮.૫૦ કરોડમાં વેચ્યું હતું. આ એપાર્ટમેન્ટ તેણીની જૂની બિલ્ડિંગના રિડેવલપમેન્ટ પછી એપ્રિલ ૨૦૨૫માં પ્રીતિ ઝિન્ટાને ફાળવવામાં આવ્યું હતું. છેલ્લા ચાર મહિનામાં પ્રીતિ ઝિન્ટા દ્વારા એપાર્ટમેન્ટ વેચવાનો આ બીજો સોદો હતો. દસ્તાવેજો દર્શાવે છે કે નવેમ્બર ૨૦૨૫માં અભિનેત્રીએ રૂસ્તમજી પરિશ્રમ બિલ્ડિંગના ૧૧મા માળે આવેલું ૧,૪૭૪ ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ રુપિયા ૧૪ કરોડથી વધુની કિંમતમાં વેચ્યું હતું.
ત્યારબાદ ૨ માર્ચ, ૨૦૨૬ના રોજ રજીસ્ટર થયેલા સોદામાં, પ્રીતિ ઝિન્ટાએ તે જ બિલ્ડિંગના સમાન માળ પર આવેલું બીજું ૧,૭૭૦ ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ વેચ્યું હતું. દસ્તાવેજો અનુસાર, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પ્રિયા નાગર અને રાજીવ નાગરે આ પ્રોપર્ટી ખરીદી હતી. આ સોદામાં રુપિયા ૧.૧૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રુપિયા ૩૦,૦૦૦ ની રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. `CRE Matrix`ના જણાવ્યા અનુસાર, સોસાયટી અને ડેવલપર (કીસ્ટોન રિયલ્ટર્સ/રૂસ્તમજી) વચ્ચેના રિડેવલપમેન્ટ કરાર હેઠળ, આ ફ્લેટ પ્રીતિ ઝિન્ટાને કાયમી વૈકલ્પિક આવાસ તરીકે સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યો હતો અને આ વ્યવસ્થા ૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ સત્તાવાર કરાર દ્વારા નક્કી કરવામાં આવી હતી.