20 March, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
OTT પ્લૅટફૉર્મ પ્રાઇમ વિડિયોએ ૨૦૨૬માં રિલીઝ થનારા નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
OTT પ્લૅટફૉર્મ પ્રાઇમ વિડિયોએ ‘પ્રાઇમ વિડિયો પ્રેઝન્ટ્સ ઇન્ડિયા’ કાર્યક્રમમાં ૨૦૨૬માં રિલીઝ થનારી અનેક નવી ઓરિજિનલ સિરીઝ અને ફિલ્મોની જાહેરાત કરી છે. આ યાદીમાં માત્ર હિન્દી જ નહીં, તામિલ અને તેલુગુ ભાષાઓની પણ મોટી ફિલ્મોનો સમાવેશ છે. આ ખાસ ઇવેન્ટમાં હૃતિક રોશન, આલિયા ભટ્ટ અને કરણ જોહર સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં.
આ જાહેરાત પ્રમાણે આ વર્ષે ‘પંચાયત સીઝન 5’, ‘ફર્ઝી સીઝન 2 ’અને ‘દહાડ સીઝન 2’ જેવા શોની સાથોસાથ ‘કૉલ મી બે સીઝન 2’, ‘દુપહિયા સીઝન 2’ અને રિયલિટી શો ‘ધ ટ્રેઇટર્સ સીઝન 2’ સ્ટ્રીમ કરવામાં આવશે.
નવી સિરીઝની વાત કરીએ તો નિખિલ અડવાણીની ‘ધ રિવૉલ્યુશનરીઝ’ ચર્ચામાં છે જેમાં ભુવન બામ, રોહિત સરાફ અને પ્રતિભા રાંટા જોવા મળશે. એ સિવાય વિજય વર્મા ‘મટકા કિંગ’ અને અલી ફઝલ ‘રાખ’ નામની સિરીઝમાં જોવા મળશે.
રૅપરકિંગ ‘લુખ્ખે’ ફિલ્મથી ઍક્ટિંગ ડેબ્યુ કરશે, જ્યારે ‘વંશ ઃ ધ કલયુગ વૉરિયર્સ’ ભારતની પહેલી એવી હિન્દી સુપરહીરો સિરીઝ હશે જેને ખાસ કરીને સ્ટ્રીમિંગ માટે બનાવવામાં આવી છે.
પ્રાઇમ વિડિયોએ આ વખતે મોટાં પ્રોડક્શન-હાઉસિસ સાથે પણ હાથ મિલાવ્યા છે. હૃતિક રોશનની HRX ફિલ્મ્સ પહેલી વાર સ્ટ્રીમિંગની દુનિયામાં પ્રવેશી રહી છે જે સિરીઝ ‘સ્ટૉર્મ’ અને ફિલ્મ ‘મેસ’ લઈને આવશે. એ સિવાય આલિયા ભટ્ટની ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ ‘ડોન્ટ બી શાય’ ફિલ્મ રજૂ કરશે.
આ ફિલ્મો પહેલાં થિયેટરમાં આવશે
ઍમેઝૉન MGM સ્ટુડિયોઝ ઇન્ડિયાએ પાંચ એવી ફિલ્મોની જાહેરાત કરી છે જે પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. એમાં રાજકુમાર રાવ અને કીર્તિ સુરેશની ‘રફ્તાર’, કુણાલ ખેમુ અને પ્રીતિ ઝિન્ટાની ‘વાઇબ’ અને યામી ગૌતમની ‘નઈ નવેલી’નો સમાવેશ છે. એ સિવાય ભુવન બામ અને વામિકા ગબ્બીની ‘કુકુ કી કુંડલી’ અને એ. આર. રહમાનના મ્યુઝિકવાળી ‘દિલકશી’ પણ મોટા પડદા પર જોવા મળશે. ચોથી સપ્ટેમ્બરે ફિલ્મ તરીકે રિલીઝ થનારી ‘મિર્ઝાપુર’ પણ પછી પ્રાઇમ વિડિયો પર જોવા મળશે. થિયેટર પછી આ ફિલ્મો પ્રાઇમ વિડિયો પર ડિજિટલ પ્રીમિયર માટે આવશે.