01 December, 2025 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડાએ હાલમાં થૅન્ક્સગિવિંગ ડે સેલિબ્રેટ કરતી વખતે પોતાના પરિવાર સાથે વિતાવેલી કેટલીક ખુશનુમા પળો ફૅન્સ સાથે શૅર કરી છે. આમ તો પ્રિયંકા ભારતમાં ‘વારાણસી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી પણ સેલિબ્રેશન માટે તે ભારતથી ઊડીને અમેરિકાના કૅલિફૉર્નિયામાં આવેલા પોતાના ઘરે પરિવાર વચ્ચે પહોંચી ગઈ હતી. આ તસવીરોમાં પ્રિયંકાએ પૂજા કરીને તેમ જ પરિવાર સાથે લંચની મજા માણીને આ દિવસની ઉજવણી કરી હતી. પ્રિયંકાએ આ ખાસ ક્ષણોની તસવીર શૅર કરતી વખતે લખ્યું હતું, ‘થોડા સમય માટે ઘરે પાછી આવી છું. ક્યારેક મને લાગે છે કે મને મળતો પ્રેમ મને કેટલી ભાગ્યશાળી બનાવે છે. આ થૅન્ક્સગિવિંગ ડે પર હું આરોગ્ય, આનંદ, એકતા અને જીવનનાં એવાં નાનાં-નાનાં સુખ માટે ખૂબ આભારી છું, જેને આપણે ઘણી વાર ગંભીરતાપૂર્વક નથી લેતા. હું મારા પરિવાર, મિત્રો, ટીમ અને એ તમામ લોકોનો આભાર માનું છું જેણે આ સફરને સરળ બનાવી છે.’
પ્રિયંકાએ આગળ લખ્યું છે, ‘ઘરથી લાંબો સમય દૂર રહીને હું ફરી પોતાની જાતને યાદ અપાવી રહી છું કે જીવનની સૌથી સુંદર બાબતોમાંની એક છે પોતાના પ્રિયજનોની વચ્ચે રહેવું. થૅન્ક્સગિવિંગ મનાવનારા સૌને શુભેચ્છા.’