12 March, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા પોતાની દીકરી માલતી મારીને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે
ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડા પોતાની દીકરી માલતી મારીને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. હાલમાં પ્રિયંકાએ તેના આ નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું હતું અને જણાવ્યું કે દીકરીની પ્રાઇવસી જાળવવા માટે તેણે ખાસ સુરક્ષા-વ્યવસ્થા પણ રાખી છે. પ્રિયંકાએ એના માટે જવાબદાર, ચોંકાવનાર ઘટના પણ શૅર કરી છે.
પ્રિયંકાએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું અને નિક માનીએ છીએ કે માલતી મારી જ્યારે મોટી થઈ રહી છે ત્યારે તેની ઓળખ છૂપી રહેવી જોઈએ. મારી દીકરી ઘણી વાર બહાર જાય છે એટલે અમે ઇચ્છીએ છીએ છે કે તેને શક્ય એટલું સામાન્ય અને પ્રાઇવેટ જીવન મળી રહે. અમે નથી ઇચ્છતાં કે લોકોની ઉત્સુકતા અથવા પ્રસિદ્ધિથી અમારી દીકરી ડરી જાય. અમે ઇચ્છીએ છીએ કે માલતી લોકોને મળતી વખતે તેમને શંકાની નજરે ન જુએ, કારણ કે દુનિયામાં સારા લોકો પણ ઘણા છે. ભવિષ્યમાં પોતાની ઓળખ જાહેર કરવી કે નહીં એ નિર્ણય લેવાની સમજ તેની પાસે હોવી જરૂરી છે.’
પ્રિયંકાએ માલતી મારી સાથે બનેલી એક ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘એક વખત મારી દીકરી સ્કૂલથી આવતી હતી ત્યારે અજાણી વ્યક્તિએ તેનો પીછો કર્યો હતો અને તેનો વિડિયો પણ રેકૉર્ડ કર્યો હતો. આ ઘટનાએ અમને વધુ સાવચેત બનાવી દીધાં. બહાર જતા સમયે અમારી દીકરી સાથે સુરક્ષા રાખવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ વ્યક્તિ તેની પરવાનગી વગર તેને રેકૉર્ડ ન કરે. છેલ્લાં થોડાં વર્ષોમાં લોકો બાળકોની પ્રાઇવસી વિશે વધુ જાગૃત બન્યા છે અને આવનારાં વર્ષોમાં આ મુદ્દો વધુ મહત્ત્વનો બનશે. એથી સુરક્ષા અને સંવેદનશીલતા બન્ને જરૂરી છે.’