10 January, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાનો સમાવેશ ૮૩મા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ 2026 માટે પ્રેઝન્ટર્સની યાદીમાં
હૉલીવુડ અને ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની વિશેષ ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડા હવે એક નવો ઇતિહાસ રચવાની છે. આ વખતે પ્રિયંકાનું નામ ૮૩મા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ 2026 માટે પ્રેઝન્ટર્સની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. પ્રિયંકાએ આ વિશેની માહિતી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. પ્રિયંકા ચોપડા આ ભવ્ય મંચ પર જુલિયા રૉબર્ટ્સ, જ્યૉર્જ ક્લૂની અને મિલા કુનિસ જેવાં દિગ્ગજ હૉલીવુડ સ્ટાર્સ સાથે અવૉર્ડ્સ પ્રેઝન્ટ કરતી જોવા મળશે. લાંબા સમય બાદ પ્રિયંકા આ પ્રતિષ્ઠિત મંચ પર દેખાવાની છે.
૮૩મો ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ શો અમેરિકામાં રવિવારે સાંજે પાંચ વાગ્યે શરૂ થશે જે ભારતના સમય મુજબ સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે લાઇવ જોવા મળશે. અમેરિકામાં CBS ચૅનલ પર એનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને પૅરામાઉન્ટ પ્લસ પર સ્ટ્રીમિંગ કરવામાં આવશે.