‘મૅરી કૉમ’માં નૉર્થ-ઈસ્ટમાંથી કોઈક ઍક્ટરને પસંદ કરવાની જરૂર હતી

16 January, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૅનિટી ફેર મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મને લઈને અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો

પ્રિયંકા ચોપડા જોનસ

‘મૅરી કૉમ’માં તેનું પાત્ર ભજવનાર પ્રિયંકા ચોપડા જોનસને લાગે છે કે આ રોલ માટે નૉર્થ-ઈસ્ટમાંથી કોઈકને લેવાની જરૂર હતી, કારણ કે તે તેના જેવી નથી દેખાતી. વૅનિટી ફેર મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મને લઈને અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. હાલમાં આ મૅગેઝિનના કવરપેજ પર તે ચમકી હતી. ‘મૅરી કૉમ’ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું જ્યારે મૅરી કૉમનો રોલ કરી રહી હતી ત્યારે શરૂઆતમાં એને લઈને હું ખૂબ શંકાસ્પદ હતી, કારણ કે તે હજી પણ જીવે છે તેમ જ ફીમેલ ઍથ્લીટ્સ માટે તેણે માર્ગ મોકળો કર્યો હતો. બીજી બાબત એ કે હું તેના જેવી નહોતી દેખાતી. તે ભારતના નૉર્થ-ઈસ્ટની છે અને હું ઉત્તર ભારતની છું. શારીરિક રીતે અમે તેના જેવાં નથી દેખાતાં. મારું એવું માનવું છે કે એ ભૂમિકા જે નૉર્થ-ઈસ્ટના હોય એ ઍક્ટરને આપવાની જરૂર હતી. જોકે એક ઍક્ટર તરીકે લાલચી હોવાથી મને તેની સ્ટોરી કહેવાની તક મળી હતી, કારણ કે એક મહિલા, એક ભારતીય મહિલા અને એક ઍથ્લીટ તરીકે તેણે મને ખૂબ પ્રેરિત કરી હતી. ફિલ્મમેકરે મને જ્યારે દબાણ કર્યું કે તું કરી શકે છે તો મેં તેમને જણાવ્યું કે હું જ આ રોલ કરવાની છું.’
બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કૉમની બાયોપિકના રોલ માટે તેણે કેવી તૈયારી કરી હતી એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘હું મૅરીને મળવા ગઈ હતી. તેના ઘરમાં તેનાં બાળકો સાથે સમય પસાર કર્યો હતો. મારે સ્પોર્ટ માટે પાંચ મહિનાની ટ્રેઇનિંગ લેવાની હતી, જે સરળ નહોતું. સાથે જ ફિઝિકલી પણ મારે ઍથ્લીટ જેવી બૉડી બનાવવાની હતી. એથી ફિઝિકલી અને મેન્ટલી એ ખૂબ અઘરું હતું, કારણ કે ફિઝિકલી હું તેના જેવી દેખાતી નહોતી. તેના સ્પિરિટને સાકાર કરવાનો નિર્ણય લીધો હતો એથી તેની સાથે ખૂબ સમય વિતાવ્યો હતો, જેથી તે મને તેની પસંદ, આ સ્પોર્ટ પર પસંદગી ઉતારવાના તેના ફેંસલા વિશે જાણી શકું.’

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra