17 September, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાની ગણતરી બૉલીવુડ અને હૉલીવુડ બન્ને જગ્યાએ સફળતા મેળવનાર ઍક્ટ્રેસ તરીકે થાય છે. જોકે અહીં પહોંચવા માટે પ્રિયંકાએ બહુ સંઘર્ષ કર્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં કહ્યું છે કે મને ભલે સફળતા મળી, પણ બૉલીવુડના દરવાજા આઉટસાઇડર માટે હંમેશાં બંધ જ રહ્યા છે.
પ્રિયંકાએ સફળતા મેળવવાના પોતાના પ્રયાસ વિશે કહ્યું હતું કે ‘મારા માટે સફળતા મેળવવાનો રસ્તો બિલકુલ સહેલો નહોતો. એક આઉટસાઇડર તરીકે મેં ઘણું સહન કર્યું છે. ઍક્ટર્સ અને ફિલ્મ પ્રોડ્યુસર્સના વર્ચસ્વવાળી ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવાનું બહુ મુશ્કેલ હતું. મારા આ અનુભવે જ મને પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કરવા માટે પ્રેરણા આપી અને ૨૦૧૫માં પર્પલ પેબલ પિક્ચર્સ લૉન્ચ કર્યું હતું. હું ૨૦૦૦માં બ્યુટી-કૉન્ટેસ્ટ જીતી હતી અને એ રીતે મને ફિલ્મમાં આવવાનો મોકો મળ્યો અને હું આગળ વધી. આ વાત ૨૦૦૦૨ની છે. એ સમયે પણ બૉલીવુડ આઉટસાઇડર્સ માટે બિલકુલ બંધ હતું, પરંતુ કોઈક રીતે મેં એમાં સફળતા મેળવી. હું ખૂબ મહત્ત્વાકાંક્ષી હતી. મને નિષ્ફળ થવાનું ગમતું નથી. હું સતત પ્રયાસ કરતી રહી અને કોઈક રીતે સફળ થઈ ગઈ.’