21 January, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ
પ્રિયંકા ચોપડા હાલમાં સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી એક ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હકીકતમાં તેણે એવી સોશ્યલ મીડિયા રીલને ‘લાઇક’ કરી, જેમાં તેના વર્ક એથિકની તુલના દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવી હતી. આ રીલમાં કન્ટેન્ટ ક્રીએટરે પ્રિયંકાની પ્રશંસા કરી હતી અને સાથે-સાથે દીપિકાની આઠ કલાકની શિફ્ટની ડિમાન્ડની ટીકા પણ કરી હતી.
આ વિડિયોમાં કન્ટેન્ટ ક્રીએટરે પ્રિયંકાને ‘સાચી ગ્લોબલ સ્ટાર’ ગણાવી હતી અને મુંબઈની તેની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પ્રિયંકા થોડા સમય માટે મુંબઈ આવી, અનેક શૂટ્સ પૂરા કર્યા અને થોડા જ કલાકોમાં અમેરિકા પરત ફરી ગઈ. આ સાથે તેણે દીપિકા તરફ આડકતરો ઇશારો કરીને કહ્યું હતું કે કેટલીક અભિનેત્રીઓ ફિક્સ વર્કિંગ અવર્સ અને આઠ કલાકની શિફ્ટની માગણી કરે છે. આ રીલમાં આગળ પ્રિયંકાની મહેનત, સમર્પણ અને પ્રોફેશનલિઝમનાં વખાણ કરવામાં આવ્યાં હતાં જ્યારે દીપિકાની આઠ કલાકની શિફ્ટની ડિમાન્ડની ટીકા કરવામાં આવી હતી. પ્રિયંકાએ આ રીલ પર ‘લાઇક’ કરતાં બન્ને ઍક્ટ્રેસના ફૅન્સ વચ્ચે આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.