પંજાબી સિંગર બી. પ્રાક પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માગણી, અઠવાડિયામાં ચૂકવવાની ચેતવણી

18 January, 2026 10:09 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલી તાજેતરની શ્રેણીબદ્ધ ખંડણી અને ગોળીબારની ઘટનાઓ વચ્ચે આવી છે

પંજાબી સિંગર બી પ્રાક

પંજાબી ગાયિકા દિલનૂરે મોહાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની વ્યક્તિ હતી અને તેણે માગણી કરી હતી કે તેનો મિત્ર, બૉલીવુડ અને પંજાબી સિંગર બી પ્રાક ૧૦ કરોડ રૂપિયાની ખંડણી નહીં ચૂકવે તો એક અઠવાડિયામાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. મોહાલીના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે જણાવ્યું હતું કે ‘ફોન કરનારી વ્યક્તિએ પોતાને અર્જુન બિશ્નોઈ તરીકે ઓળખાવ્યો હતો, જે કથિત રીતે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય છે. તે ભારતની બહારથી કામ કરી રહ્યો છે.’

આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલી તાજેતરની શ્રેણીબદ્ધ ખંડણી અને ગોળીબારની ઘટનાઓ વચ્ચે આવી છે. આ વર્ષની શરૂઆતમાં આ ગૅન્ગના ગુનેગારોએ નવી દિલ્હીના રોહિણીમાં એક વેપારીના ઘરની બહાર આશરે પચીસ ગોળી ચલાવી હતી. દિલનૂરની ફરિયાદ મુજબ તેને પાંચમી જાન્યુઆરીએ વિદેશી નંબર પરથી બે મિસ્ડ-કૉલ આવ્યા હતા, જેનો તેણે જવાબ આપ્યો નહોતો. ૬ જાન્યુઆરીએ તેને એક અલગ વિદેશી નંબર પરથી બીજો કૉલ આવ્યો હતો જેનો તેણે જવાબ આપ્યો હતો, પરંતુ વાતચીત શંકાસ્પદ લાગતાં તરત જ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. થોડા સમય પછી ઑડિયો-મેસેજ દ્વારા દિલનૂરને ખંડણીની ધમકી આપવામાં આવી હતી.પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. બી. પ્રાક બૉલીવુડ અને પંજાબી સંગીતમાં જાણીતું નામ છે, જેના નામે અનેક ચાર્ટ-ટૉપિંગ ગીતો છે. તેનાં કેટલાંક લોકપ્રિય ગીતોમાં ‘કેસરી’ ફિલ્મના ‘તેરી મિટ્ટી’, ‘ફિલહાલ’, અને ‘પછતાઓગે’  અને ‘શેરશાહ’ ફિલ્મના ‘રાંઝા’, ‘માના દિલ’ અને ‘કેસરિયો રંગ’નો સમાવેશ થાય છે.

lawrence bishnoi punjab indian music Crime News bollywood buzz bollywood news bollywood entertainment news