14 February, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. માધવન
આર. માધવન એક એવો અભિનેતા છે જે પોતાના દરેક પાત્રને સારી રીતે ન્યાય આપે છે અને તેના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. આર. માધવન હાલમાં તેની ફિલ્મ ‘હિસાબ બરાબર’ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે વાતવાતમાં તેણે પોતાની ફાઇનૅશ્યલ સ્થિતિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે પોતાના બૅન્ક-અકાઉન્ટને લઈને થોડો ઇનસિક્યૉર છે, કારણ તે પોતાના ફાઇનૅશ્યલ મામલાઓ પર ખાસ ધ્યાન નથી આપતો.
એક ઇન્ટરવ્યુમાં આર. માધવને કહ્યું કે ‘હું પહેલાં મારી પાસબુક જોઈને બૅન્ક-બૅલૅન્સ પર નજર રાખી શકતો હતો, પરંતુ આજકાલ ડિજિટલ બૅન્કિંગ અને બીજી જટિલ પ્રક્રિયાઓ વધુ ભારરૂપ બની ગઈ છે. હું મારા બૅન્ક-અકાઉન્ટને લઈને ખરેખર અસુરક્ષિતતા અનુભવું છું. મને વાસ્તવમાં ખબર નથી કે મારી પાસે કેટલા પૈસા છે અને હું એ વિશે કેટલી તપાસ કરી શકું છું, કારણ કે મને ખબર નથી કે આવું કરવાથી શું ફાયદો થશે. મને આ રકમનો ઉપરછલ્લો અંદાજ છે.’