બાળકો સાથે ક્વૉલિટી-ટાઇમ પસાર કરવામાં હું માનતો નથી

30 March, 2026 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને બાળઉછેર વિશે વાત કરતાં કહ્યું કે હું માનું છું કે સમય કરતાં વધુ મહત્ત્વ માર્ગદર્શન અને સપોર્ટનું છે

આર. માધવનની ફાઇલ તસવીર

‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાને કારણે ચર્ચામાં આવી ગયેલા આર. માધવને તાજેતરમાં બાળકોના ઉછેર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે બાળકો સાથે ક્વૉલિટી-ટાઇમ પસાર કરવાની વાત વેસ્ટર્ન કન્સેપ્ટ છે અને હું એમાં વિશ્વાસ નથી રાખતો.

આર. માધવને આ મામલે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું બાળકો સાથે માત્ર સમય પસાર કરવાને બદલે તેમને માર્ગદર્શન આપવા પર, મૂલ્યો શીખવવા પર અને વિશ્વાસ ઊભો કરવા પર વધુ ધ્યાન આપું છું. બાળકો સાથે સમય તો ક્યારેક ઘણો મળશે અથવા કદાચ ક્યારેય નહીં મળે એટલે સમયની માત્રા અને એની ગુણવત્તા કરતાં પણ વધુ મહત્ત્વ માર્ગદર્શન અને સપોર્ટનું છે.’

પોતાના અનુભવ વિશે વાત કરતાં આર. માધવને કહ્યું હતું કે ‘મારા પિતાએ પણ મારી સાથે ખાસ સમય વિતાવ્યો નહોતો, પરંતુ જ્યારે મને તેમની જરૂર હતી ત્યારે તેઓ મારી સાથે હતા. તેઓ મારા માટે મજબૂત આધારસ્તંભ હતા. તેમણે મારાં સપનાંઓ પૂરાં કરવા માટે સહાય કરી અને મને સારા સંસ્કારો આપ્યા. મેં મારા પુત્રને પણ એ જ સમજાવ્યું કે હું કદાચ દરેક સ્કૂલ-ઇવેન્ટમાં હાજર ન રહી શકું, પરંતુ જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે હું હંમેશાં તેની સાથે રહીશ. હું મારા દીકરાને કહું છું કે એક ભારતીય બાળકની જેમ જીવો; બહાર જાઓ, રમો અને બીજાઓ શું કહે છે એનાથી ઇનસિક્યૉર ન બનો.’

r madhavan entertainment news bollywood bollywood news