05 August, 2021 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુગ્ધા સાથે ૭ વર્ષથી રિલેશનમાં રહેનાર રાહુલ દેવ હવે લગ્નને વધુ મહત્ત્વ નથી આપતો
રાહુલ દેવનું કહેવું છે કે તે મુગ્ધા ગોડસે સાથે ૭ વર્ષથી રિલેશનમાં છે અને લગ્ન જેવી પ્રથાથી તેને હવે કોઈ ફરક નથી પડતો. તેનું કહેવું છે કે લગ્ન તો એક સમાજ માટે હોય છે. રાહુલનાં પહેલાં લગ્ન રીના દેવ સાથે થયાં હતાં. જોકે ૨૦૦૯માં રીનાનું નિધન થયું હતું. તેમનાં લગ્ન બાદ તેમને એક દીકરો પણ છે. ૨૦૧૩થી રાહુલ અને મુગ્ધા રિલેશનમાં છે. પોતાનાં પહેલાં લગ્ન વિશે રાહુલ દેવે કહ્યું હતું કે ‘મારાં જ્યારે લગ્ન થયાં ત્યારે મેં કદી પણ એ વાત છુપાવી નહોતી કે હું પરિણીત છું. એ વખતે મેં એક પણ ફિલ્મ નહોતી કરી. જીવનમાં ઘણીબધી વસ્તુઓ એવી હોય છે જે રિયલ હોય છે. જીવનમાં કંઈક મેળવવાનું સપનું તમે જુઓ છો અને તેને પૂરું કરવા સખત મહેનત કરો છો. દરેકમાં કામ પ્રતિ લગન હોય છે. જીવનમાં જો કોઈ તમારા માટે અગત્યનું હોય તો મને સમજમાં નથી આવતું કે એને છુપાવવાની શી જરૂર છે. માત્ર મારે એ વાતમાં સ્ટ્રગલ કરવી પડી કે મારો દીકરો એના પર કઈ રીતે રીઍક્ટ કરશે. જોકે તેને હવે જ્યારે જાણ થઈ ગઈ તો હવે કોઈ વાંધો નથી. મને એવું લાગે છે કે કોઈનું પણ પહેલું રિલેશન શાનદાર હોય તો તેને હંમેશાં એમ લાગે છે કે શું આ યોગ્ય છે? આ દિવસ અને આ ઉંમરમાં વર્ષોથી એક અંતર રહ્યું છે. તો મને એમ લાગતું હતું કે શું આ બધું યોગ્ય છે? અનેક એવી બાબતો હતી. એથી એવું લાગતું હતું કે એનાથી તમારા પરિવારને કોઈ દુઃખ પહોંચશે.’
મુગ્ધા સાથેના રિલેશનને લઈને રાહુલે કહ્યું હતું કે ‘મુગ્ધા સાથે હું ૭ વર્ષથી રિલેશનમાં છું અને મારા મત પ્રમાણે અમને લગ્નથી કોઈ ફરક નથી પડતો. લગ્ન તો માત્ર સમાજ માટે હોય છે. મને લાગે છે કે લગ્નના પ્લાનિંગ વખતે છોકરા અને છોકરીવાળાના ઘર માટે એક મોટું પ્રેશર હોય છે. લગ્નમાં કયાં કપડાં પહેરવાં, લગ્નમાં કોને બોલાવવા અને લગ્નની થીમ કઈ રાખવી વગેરેમાં આપણે પૂરા પ્રાણ પૂરી દઈએ છીએ. કોઈને જમવાનું પસંદ નથી આવતું, કોઈને મીઠાઈ પસંદ નથી આવતી. આપણે લગ્ન વખતે ખૂબ જજમેન્ટલ બની જઈએ છીએ.’