લગ્નોમાં બે-ચાર લાખ રૂપિયામાં ડાન્સ કરીને ઘર ચલાવી રહ્યો છે રાહુલ રૉય

09 September, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ રૉયે ખુલાસો કર્યો કે ઘર ચલાવવા માટે તે લગ્ન અને ખાનગી કાર્યક્રમોમાં ડાન્સ કરે છે. ૨૦૨૦ના બ્રેઇન-સ્ટ્રોક બાદ કામ મળવામાં મુશ્કેલી પડી અને હવે તે આર્થિક રીતે ફરી મજબૂત બનવા પ્રયાસ કરી રહ્યો છે.

રાહુલ રૉય

૯૦ના દાયકામાં પોતાની ચૉકલેટી ઇમેજ અને શાનદાર સ્ક્રીન-પ્રેઝન્સથી લાખો દિલો પર રાજ કરનાર અભિનેતા રાહુલ રૉય ફરી એક વાર ચર્ચામાં છે. તાજેતરમાં તેના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા હતા જેમાં તે લગ્ન અને અન્ય ખાનગી કાર્યક્રમોમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હવે રાહુલે પોતે જ ખુલાસો કર્યો છે કે તે પોતાનું ઘર ચલાવવા માટે આવા કાર્યક્રમોમાં ડાન્સ કરે છે. આ સિવાય રાહુલે પોતાની અંગત જિંદગીના મુશ્કેલ તબક્કાનો પણ ઉલ્લેખ કર્યો. રાહુલના જણાવ્યા પ્રમાણે કેટલાંક વર્ષો પહેલાં તે છૂટાછેડાની પરિસ્થિતિમાંથી પસાર થયો હતો અને એ સમયે પોતાની સંપત્તિ પત્નીના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. હવે તે ફરી પોતાની જિંદગીને ગોઠવવા અને આર્થિક રીતે મજબૂત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
રાહુલ રૉયે પોતાની હાલની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા પણ ખર્ચા છે અને મને પૈસાની જરૂર છે. ૨૦૨૦માં મને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો અને એ પછી કામ મળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારથી પાંચ વર્ષ વીતી ગયાં અને ગુજારો કરવા માટે હું જે કંઈ કરી શકું એ કરતો રહ્યો છું. ક્યારેક હું લગ્નમાં ડાન્સ કરીને બે લાખ કે ચાર લાખ રૂપિયા કમાઈ લઉં છું. જે લોકો મને ટ્રોલ કરે છે તેમને ખબર નથી કે આ કેટલું મહેનતભર્યું કામ છે. મારે પણ ઘર ચલાવવાનું છે. હું છેલ્લાં ઘણાં વર્ષોથી લગભગ ૩૦ લાખ રૂપિયા સાથે જોડાયેલા એક કાનૂની કેસનો સામનો કરી રહ્યો છું. હાલમાં હું આ મામલો ઉકેલવા માટે મારા ભાઈ સાથે મળીને પ્રયાસ કરી રહ્યો છું.’

rahul roy entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood