જો હું દોષી સાબિત થાઉં તો જીવ આપવા પણ તૈયાર છું

18 July, 2026 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉર્નોગ્રાફી કેસ પર શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ આપ્યું મોટું નિવેદન, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ૨૦૨૧માં મોબાઇલ ઍપ્સ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ૬૩ દિવસ જેલમાં વિતાવ્યા હતા.

રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ૨૦૨૧માં મોબાઇલ ઍપ્સ દ્વારા અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ૬૩ દિવસ જેલમાં વિતાવ્યા હતા. જોકે રાજ સતત દાવો કરતો આવ્યો છે કે તેણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી. હાલમાં રાજે કહ્યું હતું કે જો તે દોષી સાબિત થાય તો જીવ આપવા પણ તૈયાર છે. 

પોતાના પર લાગેલા આરોપો વિશે રાજે કહ્યું હતું કે ‘આ કેસમાં સામેલ તમામ આરોપીઓમાંથી હું એકલો જ વારંવાર કહી રહ્યો છું કે જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને સજા આપો અને આ મામલો હંમેશાં માટે પૂરો કરો, પણ જો મેં કંઈ ખોટું ન કર્યું હોય તો મને ક્લીન ચિટ આપો. મને ખાતરી છે કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી. હું છેલ્લાં પાંચ વર્ષથી આ કેસ લડી રહ્યો છું. આજે પણ હું એ જ કહું છું કે જો હું દોષી સાબિત થઈશ તો હું મારો જીવ આપવા પણ તૈયાર છું.’

જેલના ૬૩ દિવસ
આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસોને યાદ કરતાં રાજ કુન્દ્રાએ કહ્યું, હતું કે ‘જેલમાં ગાળેલા એ ૬૩ દિવસ મારા જીવનના સૌથી ડરામણા દિવસો હતા. એવી સ્થિતિ હતી કે મને ખબર પણ નહોતી પડતી કે હું બીજા દિવસની સવાર જોઈ શકીશ કે નહીં. હું મારા જીવનનો કોઈ પણ ભાગ બદલવા નથી ઇચ્છતો. જો મેં એ ૬૩ દિવસ ન જોયા હોત તો આજે હું જે રાજ કુન્દ્રા છું એ બની શક્યો ન હોત. આ સમયગાળાએ મને એ પણ સમજાવ્યું કે મારા પોતાના કોણ છે અને કોણ નથી.’

raj kundra shilpa shetty bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news