03 December, 2025 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ નિદિમોરુની પ્રથમ પત્નીની મિત્રએ ચોંકાવનારો દાવો કર્યો છે
સમન્થા રુથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે ડેટિંગ કર્યા બાદ લગ્ન કરી લીધાં છે. કોઈમ્બતુરમાં આવેલા સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ સેન્ટરના લિંગ ભૈરવી મંદિરમાં માત્ર ૩૦ અત્યંત અંગત સ્વજનો અને મિત્રોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયાં હતાં અને સમન્થાએ સોમવારે પોતાનાં લગ્નના ફોટો શૅર કર્યા હતા.
જોકે આ લગ્ન પછી રાજની પ્રથમ વાઇફ શ્યામલી ડેની એક મિત્રએ એક પોસ્ટ શૅર કરીને દાવો કર્યો કે રાજ અને શ્યામલીનાં લગ્નનો હજી અંત નથી આવ્યો. સોમવારની સાંજે શ્યામલીની મિત્ર ભાવના તાપડિયાએ એક તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે જે લોકો મને પૂછે છે તેમને માટે મારી પાસે છેલ્લી માહિતી છે કે તે હજી પણ મૅરિડ છે અને અપડેટ હાલની જ છે.
ભાવનાએ શૅર કરેલી આ પોસ્ટમાં આંખો બંધ કરેલી એક સ્ત્રી છે જેણે સિંદૂર અને મોટો લાલ ચાંદલો લગાવ્યો છે. આ તસવીર પર ભાવનાએ કર્મના બંધન વિશે લખ્યું છે, ‘ઋણાનુબંધથી વ્યક્તિ પાલતુ પ્રાણી, જીવનસાથી, સંતાનો અને ઘર સાથે જોડાય છે. જ્યારે આ કર્મનું ઋણ પૂરું થાય છે ત્યારે એ સંબંધનો અંત આવી જાય છે.’
રાજ કે શ્યામલી કોઈએ આ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું નથી, પણ રિપોર્ટ પ્રમાણે બન્નેના ૨૦૨૨માં ડિવૉર્સ થઈ ગયા છે.