02 October, 2026 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપરસ્ટાર રજનીકાંત રિક્ષામાં બેસીને પહોંચ્યા શૂટિંગ કરવા
સુપરસ્ટાર રજનીકાંતના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. હાલમાં મૈસૂરમાં રજનીકાંતની ફિલ્મ ‘ધર્મન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સેટ પર પહોંચી ગયા હતા. આ સમયે રજનીકાંત કોઈ લક્ઝરી કારને બદલે રિક્ષામાં શૂટિંગ લોકેશન પર પહોંચ્યા હતા એ જોઇને ફૅન્સને ભારે સરપ્રાઇઝ મળી હતી. રજનીકાંતની આ સાદગીભરી એન્ટ્રી હવે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
સોશ્યલ મીડિયા પર સામે આવેલા વિડિયોમાં જોવા મળે છે કે રજનીકાંત ઑટોરિક્ષામાં બેસીને સેટ પર પહોંચે છે. ઑટોરિક્ષા ત્યાં રોકાતાં જ રજનીકાંત બહાર આવ્યા અને ચાહકોએ જોરજોરથી તેમનું સ્વાગત કરવાનું શરૂ કરી દીધું. અભિનેતાએ પણ પોતાના ચાહકોને નિરાશ કર્યા નહોતા. તેમણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું અને ત્યાર બાદ શૂટિંગ માટે આગળ વધી ગયા. આ દરમ્યાન ત્યાં હાજર લોકોએ મોબાઇલ ફોનથી તેમના વિડિયો બનાવ્યા જે પછી સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થવા લાગ્યા.