કૂલીનો ક્રેઝ vs વૉર 2 માટે ઉત્સાહ

16 August, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાન્તના પોસ્ટરની પૂજા કરીને દૂધનો અભિષેક થયો, તો જુનિયર NTRના પોસ્ટર પર ફૅને રક્તતિલક કર્યું

મુંબઈમાં થિયેટરની બહાર અને અંદર ચાહકોનું સેલિબ્રેશન.

૧૪ ઑગસ્ટે ગઈ કાલે રિલીઝ થયેલી બે મોટી ફિલ્મો રજનીકાન્ત અભિનીત ‘કૂલી’ અને હૃતિક રોશન તથા જુનિયર NTR અભિનીત ‘વૉર 2’ એના ચાહકોના ઉત્સાહ અને ઉજવણીના જોશને કારણે ચર્ચામાં છે.

ફિલ્મના એક દૃશ્ય પરથી રિસ્ટ-વૉચની ચેઇન બનાવીને ચેન્નઈમાં ચાહકોની ઉજવણી.

મદુરાઈમાં ફિલ્મના પોસ્ટર પર દૂધનો અભિષેક.

મદુરાઈમાં લીલા નારિયેળમાં દીવો કરીને ફિલ્મને આવકારતા લોકો.

જુનિયર NTRના પોસ્ટર પર રક્તતિલક કરતો ફૅન અને વિશાળ કટઆઉટ.

લોકેશ કનગરાજ દ્વારા નિર્દેશિત અને સન પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘કૂલી’ રજનીકાન્તની ૫૦ વર્ષની ફિલ્મી કરીઅરની ઉજવણી સાથે રિલીઝ થઈ જેને કારણે આ ફિલ્મ પ્રત્યે ચાહકોમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચેન્નઈમાં ચાહકોએ થિયેટરોની બહાર એકઠા થઈને રજનીકાન્તના વિશાળ કટઆઉટ પર રંગ-ગુલાલ ઉડાડ્યો હતો અને તેઓ ઢોલ-નગારાંની ધૂન પર નાચ્યા હતા. થિયેટરોની બહાર ભેગી થયેલી ભારે ભીડે આખો માહોલ ઉત્સવમય બનાવી દીધો હતો. મદુરાઈમાં ફૅન્સ ઢોલ-નગારાં પર નાચતા અને ફૂલોની પાંખડીઓ ઉડાડતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા પહોંચ્યા હતા. તિરુચિરાપલ્લીમાં મહિલાઓ ફૂલોનો થાળ લઈને આવી હતી, જ્યારે પુરુષો ઢોલની થાપ પર નાચીને જશન મનાવતા જોવા મળ્યા હતા. મુંબઈમાં પણ ‘કૂલી’નો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. મહિલાઓએ આરતીની થાળી અને છત્રી લઈને થિયેટરોમાં રજનીકાન્તના પોસ્ટરની પૂજા કરી હતી, જ્યારે કેટલાક ચાહકોએ નારિયેળ ફોડ્યાં હતાં અને પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો હતો.
થિયેટરની અંદર પણ રજનીકાન્તના ફૅન્સે ઉત્સાહનો માહોલ સર્જી દીધો હતો. ફિલ્મમાં રજનીકાન્તના એન્ટ્રી-સીન દરમ્યાન ચાહકોએ જબરદસ્ત તાળીઓ પાડી હતી અને સિસોટી વગાડી હતી. એ સમયે ફૅન્સના ડાન્સથી થિયેટર્સમાં ધમાલ મચી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ફૅન્સ એસ્કેલેટર અને ગ્રુપમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

‘વૉર 2’માં હૃતિક રોશન અને જુનિયર NTR મુખ્ય ભૂમિકામાં છે. આ પણ એક પૅન-ઇન્ડિયા ફિલ્મ તરીકે રિલીઝ થઈ. જુનિયર NTRની બૉલીવુડમાં આ ડેબ્યુ ફિલ્મ હોવાને કારણે ફૅન્સમાં એનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. જુનિયર NTRના ચાહકોએ થિયેટરોની બહાર ફટાકડા ફોડીને પૂજા કરી હતી. એક વાઇરલ વિડિયોમાં ફૅને પોતાના અંગૂઠા પર કાપો મૂકીને જુનિયર NTRના પોસ્ટર પર રક્તનું તિલક કર્યું હતું જે ચાહકોની નિષ્ઠા દર્શાવે છે. આ ફિલ્મના સેલિબ્રેશન માટે શેરીઓને પાર્ટી-ઝોનમાં ફેરવી દેવામાં આવી હતી, જ્યાં ફૅન્સ DJના મ્યુઝિક પર નાચ્યા હતા. ચાહકોએ કસ્ટમાઇઝ્‍ડ ટી-શર્ટ પહેરીને આ ફિલ્મની રિલીઝની ઉજવણી કરી હતી તો કેટલાકે જુનિયર NTRના વિશાળ કટઆઉટ પર દૂધનો અભિષેક કર્યો હતો.

એ સિવાય જુનિયર NTRના હાઈ-ઑક્ટેન એન્ટ્રી-સીન દરમ્યાન ચાહકોએ હાકોટા-પડકારા અને ડાન્સથી થિયેટરનો માહોલ લાઇવ કરી દીધો હતો.

આલિયા ભટ્ટે મમ્મી સોની રાઝદાન સાથે પહેલા જ દિવસે જોઈ લીધી વૉર 2


શુક્રવારે બે મોટી ફિલ્મો રજનીકાન્તની‘કૂલી’ અને હૃતિક રોશન તથા જુનિયર NTRની ‘વૉર 2’ રિલીઝ થઈ છે. લોકોમાં આ ફિલ્મોને લઈને ભારે ઉત્સાહ છે ત્યારે આલિયા ભટ્ટે મમ્મી સોની રાઝદાન સાથે પહેલા જ દિવસે ‘વૉર 2’ જોઈ લીધી અને તેમની મૂવી-ડેટની તસવીરો વાઇરલ થઈ છે. જોકે મા-દીકરીની આ મૂવી-ડેટમાં રણબીર કપૂરે હાજરી નહોતી આપી.

rajinikanth hrithik roshan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news jr ntr