05 November, 2026 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્યા છે.
બૉલીવુડની સુપરહિટ ફ્રૅન્ચાઇઝીમાંની એક ‘મુન્નાભાઈ’ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડિરેક્ટર રાજકુમાર હીરાણી પોતાની આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા ભાગ પર ઝડપથી કામ કરી રહ્યા છે અને આ વખતે ફિલ્મના સ્ક્રિપ્ટ-લેખન માટે તેમણે ફરહાદ સામજી સાથે હાથ મિલાવ્યા છે.
ફરહાદ સામજીનો આ ફ્રૅન્ચાઇઝી સાથે જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. ૨૦૦૩માં રિલીઝ થયેલી ‘મુન્નાભાઈ MBBS’ના સુપરહિટ ગીત ‘એમ બોલે તો...’નું મુખડું તેણે જ લખ્યું હતું. હવે વર્ષો બાદ રાજકુમાર હીરાણી અને ફરહાદ સામજીની આ જોડી ફરી એક વાર સાથે ‘મુન્નાભાઈ ૩’માં કામ કરવા જઈ રહી છે.
રાજકુમાર હીરાણીએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે ‘મુન્નાભાઈ ૩’નું નિર્માણ ત્યારે જ કરશે જ્યારે તેની પાસે એક શાનદાર અને દમદાર સ્ક્રિપ્ટ હશે. આ જ કારણ છે કે સ્ક્રિપ્ટમાં નવો અને તાજગીભર્યો અભિગમ લાવવા માટે આ પ્રોજેક્ટ સાથે ફરહાદ સામજીને જોડવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ફરહાદ સામજી ટૂંક સમયમાં જ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ કરવાનો છે. જો બધું આયોજન પ્રમાણે પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે.