મુન્નાભાઈ MBBS અને થ્રી ઇડિયટ્સની સીક્વલમાં વિલંબનું કારણ અધૂરી સ્ક્રિપ્ટ

14 February, 2026 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર રાજકુમાર હીરાણીએ સ્પષ્ટતા કરી કે બન્ને ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે અને જલદી અપડેટ આપવામાં આવશે...

મુન્નાભાઈ MBBS અને થ્રી ઇડિયટ્સની સીક્વલમાં વિલંબનું કારણ અધૂરી સ્ક્રિપ્ટ

ફિલ્મમેકર રાજકુમાર હીરાણીની ‘મુન્નાભાઈ MBBS’ અને ‘થ્રી ઇડિયટ્સ’ને સારીએવી સફળતા મળી હતી અને છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની સીક્વલ આવવાની છે એવી ચર્ચા ચાલી રહી છે પણ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. હવે આ મામલે રાજકુમાર હીરાણીએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં બન્ને ફિલ્મોની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે, પણ એમાં થઈ રહેલા વિલંબનું કારણ અધૂરી સ્ક્રિપ્ટ છે.

મીડિયા સાથેની વાતચીતમાં રાજકુમાર હીરાણીએ જણાવ્યું હતું કે ‘હાલમાં ‘મુન્નાભાઈ MBBS’ અને ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ માટે વિચાર અને લેખનપ્રક્રિયા ચાલુ છે. અમને ‘મુન્નાભાઈ MBBS 3’ માટે યોગ્ય અંત શોધવામાં મુશ્કેલી આવી રહી છે. અમને આની સ્ક્રિપ્ટનો ક્લાઇમૅક્સ હજી સુધી સંપૂર્ણ રીતે સંતોષકારક લાગતો નથી. આના કારણે આખી સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં સમય લાગી રહ્યો છે. જ્યાં સુધી ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલનો મુદ્દો છે ત્યાં સુધી આના વિશે અમારા મનમાં એક નવો વિચાર આવ્યો છે અને એના પર કામ ચાલી રહ્યું છે. જોકે હજી એની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, કારણ કે એની સ્ક્રિપ્ટ હજી પૂરી નથી થઈ.’

રાજકુમાર હીરાણી હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ફિલ્મ બનાવવા માગે છે
ફિલ્મમેકર રાજકુમાર હીરાણીએ ‘મુન્નાભાઈ MBBS’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘પીકે’, ‘સંજુ’ અને ‘ડંકી’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હીરાણીએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) વિશે પણ રસપ્રદ વિચાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હવે મારી ઇચ્છા ટૂંકી AI ફિલ્મ બનાવવાની છે.
આ નવી ટેક્નૉલૉજી વિશે વાત કરતાં રાજકુમાર હીરાણીએ કહ્યું હતું કે ‘હું ક્યારેક AIને લઈને ખૂબ ઉત્સાહી થઈ જાઉં છું અને ચારથી પાંચ મિનિટની નાની ફિલ્મ બનાવવા માગું છું. મારી પાસે એક વાર્તા છે અને મને લાગે છે કે આ રીતે હું AIને વધુ સારી રીતે સમજી શકીશ. AIનો ઉપયોગ કરીને ઘણી એવી બાબતો શક્ય બની શકે છે જે પહેલાં શક્ય નહોતી. હા, સંપૂર્ણ AI ફિલ્મ બનાવવાનું સરળ નથી. એમાં ઘણો સમય અને મહેનત લાગે છે.’

rajkumar hirani upcoming movie latest films bollywood buzz bollywood news bollywood entertainment news