18 September, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
થોડા મહિના પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મમેકર રાજકુમાર હીરાણી ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવવાના પ્લાનિંગમાં છે અને આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલ કરી રહ્યો છે. જોકે હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આમિરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખાસ પસંદ નથી પડી રહી અને તેણે રાજકુમાર હીરાણીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફરી લખવાની વિનંતી કરી છે. આમિરની આ વિનંતી પછી હાલમાં આ પ્રોજેક્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આમિર ખાને હાલમાં રાજકુમાર હીરાણી અને અભિજાત જોશી પાસેથી દાદાસાહેબ ફાળકેની સ્ક્રિપ્ટ સાંભળી અને તેને લાગ્યું કે સ્ક્રિપ્ટમાં કેટલાંક જરૂરી પરિબળોનો અભાવ છે. આમિરે સામાન્ય રીતે રાજુ અને અભિજાત પાસેથી હાસ્ય, ઇમોશન અને ડ્રામાના કૉમ્બિનેશનની અપેક્ષા રાખી હતી; પરંતુ સ્ક્રિપ્ટ થોડી વધારે જ ગંભીર લાગી એટલે આમિરે પછી રાજકુમાર હીરાણીને આ સ્ક્રિપ્ટ ફરી લખવા માટે જણાવ્યું છે. રાજકુમાર અને અભિજાત તો આમિરની પ્રતિક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે અને હવે તેઓ આગળનાં પગલાં વિશે વિચારી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ થવાનું હતું, પણ હાલમાં આ પ્રોજેક્ટ અટકી ગયો છે. આમિરે તો બીજા ફિલ્મમેકર્સની સ્ક્રિપ્ટ સાંભળવાનું પણ શરૂ કરી દીધું છે.’