11 May, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ પહેલાં ૯ મેના દિવસે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પણ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને કારણે ફિલ્મના મેકર્સને રિલીઝ માટે આ સમય યોગ્ય નથી લાગતો. હાલના ડામાડોળ સંજોગોને કારણે હવે આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે અને હવે એેને ૧૬ મેના દિવસે સીધી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીએ સોશ્યલ મીડિયા દ્વારા તેમની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ની રિલીઝ મુલતવી રાખવાની માહિતી શૅર કરી છે. તેમણે કહ્યું કે ‘તાજેતરની ઘટનાઓ અને દેશભરમાં વધેલી સુરક્ષા-સતર્કતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રની ભાવનાઓનો આદર કરીને મૅડૉક ફિલ્મ્સ અને ઍમૅઝૉન MGM સ્ટુડિયોએ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાને બદલે સીધી OTT પ્લૅટફૉર્મ પર લાવવાનો નિર્ણય લીધો છે.’