17 February, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવનો આ લુક છે ચર્ચામાં
રાજકુમાર રાવ તાજેતરમાં ‘બોલતી ખિડકિયાં’ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહ્યો હતો. આ ઇવેન્ટમાં તેનો ઓછા વાળ તેમ જ વધેલા વજનવાળો લુક ફૅન્સમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પહેલાં ચર્ચા હતી કે રાજકુમાર રાવનો આ લુક ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક માટે છે, પણ એવું નથી. હવે રાજકુમારે જ આ મામલે સ્પષ્ટતા કરી છે. રાજકુમારે જણાવ્યું કે ‘ઉજ્જ્વલ નિકમની બાયોપિક માટે મેં લગભગ ૯–૧૦ કિલો વજન વધાર્યું હતું. મેં હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને હવે હું સૌરવ ગાંગુલીની બાયોપિક માટે ટ્રાન્ઝિશન ફેઝમાં છું અને આ ફિલ્મ માટે મારે વધારેલું વજન ઘટાડવું પડશે.’
રાજકુમાર રાવે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા સંદેશમાં કહ્યું છે, ‘હું પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરવા કરતાં મારા શરીરમાં મહેનતથી બદલાવ લાવવાનું વધુ પસંદ કરું છું. મને લાગે છે કે કલાકાર તરીકે પાત્રને સાચી રીતે જીવવા માટે શારીરિક પરિવર્તન કરવું જરૂરી હોય છે. આ માટે ભલે વજન વધારવું પડે, મોટી વયના દેખાવું પડે કે વાળનો જથ્થો ઘટાડવો પડે. ઉજ્જ્વલ નિકમના રોલ માટે મેં ડાયટમાં પીત્ઝા, મીઠાઈઓ, આલૂ પરાઠાં અને બિરયાનીનો સમાવેશ કર્યો હતો જેથી પાત્ર મુજબનો દેખાવ મેળવી શકાય. હવે વધારેલા કિલો ઘટાડીને ‘ગાંગુલી મોડ’માં આવવાનો સમય છે.’