16 May, 2025 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂલ ચૂક માફ ફિલ્મ પોસ્ટર
મૅડૉક ફિલ્મ્સ અને PVR આઇનૉક્સ વચ્ચેના કાનૂની વિવાદ બાદ રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ ૨૩ મેએ થિયેટરમાં રિલીઝ થશે. હાઈ-પ્રોફાઇલ વિવાદમાં કોર્ટના આદેશ બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
હકીકતમાં આ ફિલ્મ પહેલાં ૯ મેએ રિલીઝ થવાની હતી પણ ૮ મેએ ફિલ્મના નિર્માતા દિનેશ વિજને જાહેર કર્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને સીધી ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝથી એક દિવસ પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે PVR આઇનૉક્સે કરારના ઉલ્લંઘન બદલ મૅડૉક ફિલ્મ્સ પર ૬૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો અને ડિજિટલ રિલીઝ પર પ્રતિબંધની માગણી કરી હતી.
હવે કોર્ટે સિનેમાઘરોમાં રિલીઝની તરફેણમાં ચુકાદો આપ્યો છે એને કારણે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ‘ભૂલ ચૂક માફ’ ૨૩ મેએ થિયેટરોમાં રિલીઝ થશે. આ સંજોગોમાં મૅડૉક ફિલ્મ્સ ફરીથી ફિલ્મનું પ્રમોશન કરશે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝનાં બે અઠવાડિયાં પછી ૬ જૂને પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. આ છૂટછાટ માત્ર આ ફિલ્મ માટે જ છે અને બાકીની ફિલ્મો માટે ૮ અઠવાડિયાંની વિન્ડો યથાવત્ રહેશે.
આ મામલામાં PVR આઇનૉક્સે એની ૬૦ કરોડ રૂપિયાની વળતરની માગણી પાછી ખેંચી લીધી છે એવા સમાચાર છે.