06 October, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રાજપાલ યાદવની મુશ્કેલીઓ ફરી વધી છે. ચેક બાઉન્સિંગ અને નાણાકીય વિવાદ સાથે જોડાયેલા કેસમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવ અને તેના વકીલને આકરી ફટકાર લગાવી હતી. અગાઉ આપવામાં આવેલા નિર્દેશ મુજબ કોર્ટની રજિસ્ટ્રીમાં નક્કી કરેલી રકમ જમા ન કરાવવા બદલ જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ પ્રકારના અહંકારને એની યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જરૂર છે અને તેમની સાચી જગ્યા જેલમાં છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચે રાજપાલ યાદવને મંગળવાર સુધીમાં કોઈ પણ સંજોગોમાં ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સોમવારે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ૧૫ સપ્ટેમ્બરે બે અઠવાડિયાંનો સમય આપવામાં આવ્યો હોવા છતાં રાજપાલ યાદવે પાંચ ઑક્ટોબર સુધીમાં કોર્ટની રજિસ્ટ્રીમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. રાજપાલ યાદવના વકીલે ૫૦ લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની ફોટોકૉપી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે બૅન્ક એને પ્રક્રિયામાં લઈ રહી છે તથા રજાઓને કારણે થોડો વિલંબ થયો છે.
આ અંગે બેન્ચે સવાલ કર્યો હતો કે આ ડ્રાફ્ટ ખરેખર અસલી છે કે નહીં એની પણ કોર્ટને જાણ નથી. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે ૧૫ સપ્ટેમ્બરે સમય આપવામાં આવ્યો હતો તો નક્કી કરેલા સમય બાદ પણ ચુકવણી કેમ ન કરવામાં આવી અને જો કોઈ મુશ્કેલી હતી તો સમય વધારવા માટે અરજી કેમ કરવામાં આવી નહોતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એ રાજપાલ યાદવની અરજીને તરત જ ફગાવી શકતી હતી, પરંતુ ફરિયાદી પક્ષની બાકી રકમની વસૂલાત અને સંતુલન જાળવવા માટે અભિનેતાને છેલ્લી તક આપવામાં આવી રહી છે.