21 August, 2026 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેલ્લાં ૧૩ વર્ષમાં મને ૨૫૦ કરોડ રૂપિયાનું વ્યક્તિગત નુકસાન થયું છે
રાજપાલ યાદવ વર્ષ ૨૦૧૩થી ચેક બાઉન્સિંગના કેસમાં ફસાયેલો છે. કરોડો રૂપિયાનું દેવું ન ચૂકવવાના કારણે તેને કોર્ટની ફટકાર પણ મળી ચૂકી છે અને તે જેલમાં પણ જઈ ચૂક્યો છે. એટલું જ નહીં, થોડા દિવસો પહેલાં તેના પૈતૃક ઘરની હરાજી માટે નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે પંચાવન વર્ષના રાજપાલ યાદવે દાવો કર્યો છે કે છેલ્લાં ૧૩ વર્ષમાં તેને ૨૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
પોતાને થયેલા નુકસાન વિશે વાત કરતાં રાજપાલે કહ્યું હતું કે ‘૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે મને ૨૦૦થી ૨૫૦ કરોડ રૂપિયાનું વ્યક્તિગત નુકસાન થયું છે. હું આ વાત દિલથી કહી રહ્યો છું. મેં વિદેશના ઓછામાં ઓછા ૫૦ પ્રવાસ ગુમાવ્યા. મને મળવાની જે ફી હતી એ પણ ઘટી ગઈ. હું ક્યારેય આ બાબતોમાં પડ્યો નથી. હું કળાનો વિદ્યાર્થી છું. હું મારી કળામાં પર્ફેક્શન ઇચ્છું છું. ફી તો આપમેળે પાછળ આવશે.’
રાજપાલે પોતાના દેવા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જે કોઈના પણ મારા પર પૈસા બાકી હતા એ ચૂકવી દીધા છે અથવા ચૂકવી દઈશ. ભલે મેં ૨૦૦ લોકો પાસેથી ઉધાર લીધું હોય, મેં તેમને પૈસા આપી દીધા છે અને જો ન આપ્યા હોય તો પૈસા તેમના ઘરે પહોંચી જશે. હું એક જવાબદાર વ્યક્તિ છું. કોઈ મને પાંચ કરોડ રૂપિયા કે ૨૫૦ કરોડ રૂપિયામાં ખરીદી નહીં શકે. આજે પણ ઍરપોર્ટ પર પાંચસો લોકો મારી સાથે સેલ્ફી લે છે. હું ક્યારેય ખોવાયો નથી. હું દુનિયાને આ સાબિત કરીને બતાવીશ.’