21 December, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ બેદી
ડિરેક્ટર આદિત્ય ધરની ‘ધુરંધર’માં રાકેશ બેદીએ પાકિસ્તાની નેતા જમીલ જમાલીનો રોલ કર્યો છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાકેશ બેદીએ તેમના રોલ વિશે વાત કરતી વખતે ‘ધુરંધર 2’માં તેમનો રોલ શું હશે એની વાત કરી છે અને સાથે-સાથે તેમણે ફિલ્મમાં દેખાડવામાં આવેલી હિંસા વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.
રાકેશ બેદીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આદિત્યએ ગયા વર્ષે મને ફોન કરીને જમીલનો રોલ ઑફર કર્યો હતો. ફિલ્મની સીક્વલમાં આ પાત્ર વધુ ખતરનાક બનશે અને એ મને કંઈક અલગ કરવાનો મોકો આપે છે. હું આ રોલ કરીને ખૂબ ખુશ છું. અંતે કોઈ તો એવું મળ્યું જેણે મારી અંદરથી કંઈક જુદું બહાર લાવવાનો પ્રયાસ કર્યો. આ પાત્ર દેખાવમાં તો સાદું લાગે છે, પરંતુ હકીકતમાં નથી. જમીલ ખૂબ ચાલાક અને ધૂર્ત છે. તેનાં અનેક પાસાં છે.’
એક તરફ ‘ધુરંધર’ની ખૂબ પ્રશંસા થઈ રહી છે તો કેટલાક લોકો એમાં દર્શાવેલી ભારે હિંસાનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલી હિંસા વિશે રાકેશ બેદીએ કહ્યું હતું કે ‘શું રામે રાવણને કોઈ હિંસા વગર માર્યો હતો? જ્યારે ખલનાયક અત્યંત ક્રૂર હોય અને લોકો તેને લઈને ડરે તો સ્વાભાવિક છે કે બન્ને બાજુ હિંસા થશે. તમે ફક્ત વાર્તા કહી નથી રહ્યા પણ એને બતાવી રહ્યા છો. ‘ધુરંધર’ એવી ફિલ્મ છે જે હિંસાનો સપોર્ટ નથી કરતી પણ વાર્તા કહેવા માટે હિંસા જરૂરી બને છે.’
ધુરંધરની ભારતમાં કમાણી ૫૦૦ કરોડ નૉટ આઉટ
‘ધુરંધર’એ રિલીઝના પંદરમા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે ૨૩.૭૦ કરોડ રૂપિયાની કમાણી સાથે ભારતમાં બૉક્સ-ઑફિસ પર કુલ ૫૦૩.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આંકડાઓની રીતે જોઈએ તો ત્રીજા શુક્રવારે ‘છાવા’એ ૧૩.૩૦ કરોડ રૂપિયા, ‘પુષ્પા 2’ (હિન્દી)એ ૧૨.૫૦ કરોડ અને ‘બાહુબલી 2’ હિન્દીએ ૧૦.૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.