14 February, 2026 08:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરાનું નામ શિવા રામ અને દીકરીનું નામ અનવીરા દેવી
રામચરણ તેજા અને ઉપાસના કોનિડેલા ૩૧ જાન્યુઆરીએ એક દીકરી અને એક દીકરાનાં મમ્મી-પપ્પા બન્યાં છે. તાજેતરમાં કપલે હૈદરાબાદના તેમના ઘરે નામકરણ-સમારોહનું આયોજન કર્યું હતું અને તેમનાં ટ્વિન્સ બાળકોનાં નામની જાહેરાત કરી હતી. રામચરણે જણાવ્યું હતું કે દીકરાનું નામ શિવરામ અને દીકરીનું નામ અનવીરા દેવી રાખવામાં આવ્યું છે. રામચરણ અને ઉપાસનાને ક્લીન કારા કોનિડેલા નામની અઢી વર્ષની દીકરી પણ છે.
પોતાનાં બાળકોનાં નામની જાહેરાત કર્યા પછી રામચરણે એક ઇન્ટરવ્યુમાં આ નામનો અર્થ પણ સમજાવ્યો હતો. આના વિશે વાત કરતાં રામચરણે કહ્યું હતું કે ‘નામકરણ અમારા માટે અત્યંત વ્યક્તિગત અને આધ્યાત્મિક નિર્ણય હતો. ઉપાસના અને મેં આના વિશે ઘણો વિચાર કર્યો હતો. અમારાં માતા-પિતા પણ આ યાત્રાનો મહત્ત્વનો ભાગ રહ્યાં હતાં. અમારા પુત્રનું નામ શિવરામ એ ભગવાન શિવ અને ભગવાન રામનો સંગમ છે અને સંયમ સાથે શક્તિ તથા ધર્મ સાથે ભક્તિનું પ્રતીક છે. આ મારા પિતાના જન્મ વખતના નામ ‘શિવ શંકર વર પ્રસાદ’ને પણ આગળ વધારે છે એથી એમાં વંશપરંપરા અને કૃતજ્ઞતાનો ભાવ પણ જોડાયેલો છે.’
દીકરીના નામ વિશે વાત કરતાં રામચરણે કહ્યું હતું કે ‘મારી દીકરીનું નામ અનવીરા દેવી રાખવામાં આવ્યું છે જે અપાર હિંમત અને દિવ્ય નારીશક્તિનું પ્રતીક છે. ‘વીરા’ વીરતા દર્શાવે છે અને ‘અન’ એને અનંત સુધી વિસ્તારે છે. ‘દેવી’ શબ્દ જાણીજોઈને ઉમેરવામાં આવ્યો છે જેથી એ વાતનો અહેસાસ રહે કે શક્તિ અને કરુણા એકસાથે અસ્તિત્વમાં હોઈ શકે છે.’