12 May, 2025 12:17 PM IST | London | Gujarati Mid-day Correspondent
રામ ચરણના વૅક્સ-સ્ટૅચ્યુ
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાએ પોતાની કરીઅરમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં તેણે લંડનના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મ્યુઝિયમ જતાં પહેલાં લંડનની શેરીઓમાં હજારો ચાહકોએ રામ ચરણનું જોરદાર સ્વાગત કર્યું. આ ઇવેન્ટમાં તેના પિતા ચિરંજીવી, માતા સુરેખા અને પત્ની ઉપાસના કોનિડેલા પણ હાજર રહ્યાં. રસપ્રદ વાત એ છે કે મ્યુઝિયમના અધિકારીઓએ માત્ર રામ ચરણનું જ નહીં, પરંતુ તેના પાલતુ શ્વાન રાઇમનું પણ વૅક્સ-સ્ટૅચ્યુ બનાવ્યું છે.
હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં રામ ચરણ મૅડમ તુસાદમાં પોતાના વૅક્સ-સ્ટૅચ્યુનું અનાવરણ કરતો જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે રામ ચરણની પ્રતિમા સોફા પર છે અને બાજુમાં રાઇમ પણ છે. આ દરમ્યાન સ્ટૅચ્યુની બાજુમાં સોફા પર રામ ચરણ પોતાના શ્વાન રાઇમ સાથે બેસીને પોઝ આપે છે. રામ ચરણ વિશ્વનો પહેલો એવો ઍક્ટર છે જેના વૅક્સ-સ્ટૅચ્યુમાં તેનો પાલતુ શ્વાન પણ સામેલ છે.
ક્યાં મુકાશે રામ ચરણનું વૅક્સ-સ્ટૅચ્યુ?
રિપોર્ટ પ્રમાણે રામ ચરણની મીણની પ્રતિમા સિંગાપોરના મૅડમ તુસાદમાં મૂકવામાં આવશે. જોકે એનું અનાવરણ લંડનના મૅડમ તુસાદમાં થયું. આ ઇવેન્ટમાં રામ ચરણ, તેમનાં માતા-પિતા ચિરંજીવી અને સુરેખા, પત્ની ઉપાસના અને તેમનો પાલતુ શ્વાન રાઇમ હાજર હતાં. જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વૅક્સ-સ્ટૅચ્યુ નજીકના ભવિષ્યમાં સિંગાપોરના મૅડમ તુસાદ મ્યુઝિયમમાં કાયમી ધોરણે શિફ્ટ કરવામાં આવશે.