તીરંદાજીને પ્રોત્સાહન મળે એ માટે રામ ચરણ તેજાની વડા પ્રધાન સાથે ખાસ મુલાકાત

14 October, 2025 11:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ મુલાકાતનો હેતુ વિશ્વની પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગ (APL)ની તાજેતરમાં મળેલી સફળતા છે

(ડાબેથી જમણે) ઉપાસના કામિનેની કોનિડેલા, રામ ચરણ તેજા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને APLના અધ્યક્ષ અનિલ કામિનેની.

રામ ચરણ તેજા અને તેની પત્ની ઉપાસના કામિનેની કોનિડેલાએ શનિવારે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ વિશ્વની પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગ (APL)ની તાજેતરમાં મળેલી સફળતા છે. APLની શરૂઆત તીરંદાજીની રમતને વ્યાપક દર્શકો સુધી પહોંચાડવા અને આ વારસાને જાળવવા માટે કરાયેલી છે. તેમની આ મુલાકાતમાં APLના અધ્યક્ષ અનિલ કામિનેની પણ હાજર હતા.

રામ ચરણ તેજાએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ મુલાકાતની તસવીરો શૅર કરીને લખ્યું, ‘પ્રધાનમંત્રીને મળીને આનંદ અને સન્માન અનુભવી રહ્યા છીએ. અનિલ કામિનેની ગારુના નેતૃત્વ હેઠળ વિશ્વની પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગને સફળતા મળી છે. તીરંદાજીના વારસાને જાળવવા અને એને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવા માટે આ નાનું પગલું છે. તમામ રમતવીરોને અભિનંદન. આપણે આશા રાખીએ કે ઘણા વધુ લોકો આ અદ્ભુત રમતમાં જોડાશે.’

આ મુલાકાત પછી વડા પ્રધાન મોદીએ આ ખાસ શરૂઆત વિશે રામ ચરણ તેજાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે ‘તમારા સામૂહિક પ્રયાસો તીરંદાજીને લોકપ્રિય બનાવવા માટે પ્રશંસનીય છે અને એ ઘણા યુવાનોને લાભ આપશે. તમને, ઉપાસના અને અનિલ કામિનેની ગારુને મળીને આનંદ થયો.’

વડા પ્રધાનના જવાબ પર પ્રતિક્રિયા આપતાં રામ ચરણે કહ્યું, ‘માનનીય વડા પ્રધાન, તમારા પ્રોત્સાહન માટે આભારી છીએ. તમારા માર્ગદર્શન હેઠળ આપણે તીરંદાજીનો એવો વિકાસ સાધીશું જે વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવશે.’

ram charan narendra modi entertainment news bollywood bollywood news