11 July, 2025 07:01 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રામ ચરણ તેજાની પત્ની ઉપાસના
લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેતા રામ ચરણ તેજાની પત્ની અને સફળ ઉદ્યોગપતિ ઉપાસના કામિનેની કોનિડેલા સાંઈબાબાની પરમ ભક્ત છે અને હાલમાં તેણે એક વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે ગુરુપૂર્ણિમાથી નવ અઠવાડિયાંનું સાંઈબાબાનું વ્રત પણ રાખવાની છે.
ઉપાસનાએ આ વિડિયોમાં સાંઈબાબા પ્રત્યેની પોતાની આસ્થા વિશે વાત કરતાં જણાવ્યું છે કે ‘મેં જ્યારે મનથી પ્રાર્થના કરવાનું અને સાંઈબાબાનું વ્રત શરૂ કર્યું ત્યારે મને અંદરથી શાતા અને વિશ્વાસનો અનુભવ થયો. આ જ આસ્થાને કારણે મેં આ આધ્યાત્મિક પ્રથાને અપનાવી. મને લાગે છે કે દરેક વ્યક્તિએ શોધવું જોઈએ કે તેનું હૃદય કઈ વસ્તુ સાથે જોડાયેલું છે. મારા પતિ રામ ચરણ ઐયપ્પા સ્વામીમાં આસ્થા રાખે છે, જ્યારે હું સાંઈબાબાને માનું છું. એક સમયે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી અને હું અંદરથી તૂટી ગઈ હતી. એ સમયે મેં સાંઈબાબાની કથા વાચવાનું શરૂ કર્યું અને મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. મારો વિચારવાનો દૃષ્ટિકોણ સકારાત્મક બન્યો અને મારી આસપાસના લોકો પણ વધુ સકારાત્મક થવા લાગ્યા. આ નાનાં-નાનાં પરિવર્તને મને એહસાસ કરાવ્યો કે હું એક બહેતર વ્યક્તિ બની રહી છું. આ જ કારણે સાંઈબાબાનું વ્રત મારા માટે ખૂબ ખાસ છે.’
ઉપાસનાએ સાંઈબાબાનું વ્રત કરવાની આસ્થા વિશે જણાવતાં કહ્યું કે ‘જો તમારા જીવનમાં કોઈ અડચણ હોય અથવા વસ્તુઓ તમારી ઇચ્છા મુજબ ન ચાલતી હોય તો કોઈ પણ પ્રકારનું વ્રત અજમાવી જુઓ. મારું માનવું છે કે આજની દુનિયામાં આ સૌથી અસરકારક ઉપાય છે. ભગવાન સાથે જોડાવું એટલે પોતાની સાથે જોડાવું. આ ગુરુપૂર્ણિમાથી હું સાંઈબાબાનું વ્રત શરૂ કરી રહી છું અને તમને બધાને આ નવ અઠવાડિયાંની આધ્યાત્મિક અને આનંદદાયક યાત્રામાં મારી સાથે જોડાવા આમંત્રણ આપું છું.’