20 April, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ રોશન, ગુલશન કુમાર
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં હિન્દી સિનેમાના સૌથી ઊથલપાથલભર્યા દાયકાઓમાંના એક ૧૯૯૦ના દાયકાને યાદ કર્યો હતો. એ સમય દરમ્યાન મુંબઈના અન્ડરવર્લ્ડનો ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર ભારે પ્રભાવ હતો. રામુએ સમજાવ્યું હતું કે કેવી રીતે દાઉદ ઇબ્રાહિમ જેવા ગૅન્ગસ્ટર્સના નેતૃત્વ હેઠળની ગુનેગાર ગૅન્ગ ધમકી આપતી અને વિદેશી ફન્ડિંગ તથા કાસ્ટિંગ પર દબાણ કરતી હતી.
રામ ગોપાલ વર્માએ એ સમયગાળાને યાદ કરતાં કહ્યું હતું કે ‘અન્ડરવર્લ્ડની હરકતો અચાનક નહીં પરંતુ ખૂબ વિચારીને કરવામાં આવતી હતી. ગૅન્ગસ્ટર્સ પ્રભાવશાળી લોકો પર નિશાન તાકીને પોતાનો દબદબો જાળવી રાખતા હતા. અન્ડરવર્લ્ડનો હેતુ માત્ર પૈસા કમાવાનો નહોતો, પણ કન્ટ્રોલ અને સત્તા મેળવવાનો હતો. મોટા સ્ટાર્સને ડરાવીને તેઓ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરતા હતા.’
રામ ગોપાલ વર્માએ ૨૦૦૦ના જાન્યુઆરીમાં રાકેશ રોશન પર થયેલા હુમલાની તેમ જ કૅસેટકિંગ ગુલશન કુમારની હત્યાની વાત કરતાં કહ્યું હતું કે ‘ગૅન્ગસ્ટર્સ ‘કહો ના... પ્યાર હૈ’ પછી હૃતિક રોશનની ફિલ્મોની તારીખો પર કાબૂ મેળવવા માગતા હતા. રાકેશ રોશને એનો વિરોધ કર્યો અને ત્યાર બાદ તેમની ઑફિસની બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. ગુલશન કુમારની વધતી સફળતા અને પ્રભાવને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અબુ સાલેમ જેવા લોકો માટે આ પ્રકારની ઘટનાઓ અન્ડરવર્લ્ડમાં પોતાનું નામ અને પ્રભાવ વધારવાનો એક રસ્તો હતો. ગુલશન કુમારે ખંડણીની માગણી સામે ઝૂકવાનું સ્વીકાર્યું નહોતું અને તેઓ સહેલાઈથી ડરી જાય એવા માણસ નહોતા એને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી.’